હુડકો ચોકડી નજીક રિક્ષા અડફેટે ઘવાયેલા સાયકલ ચાલક વૃધ્ધનું મોત
શહેરના કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાસે નાયરાના પેટ્રોલ પંપ નજીક એક પ્રોઢ રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં અલ્પેશભાઇ અમૃતલાલ સિધ્ધપુરા (ઉ.વ.50) તા. 1/7ના સવારે હુડકો ચોકી નજીક પેટ્રોલ પંપ પાસે ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યા રિક્ષાચાલકે ઠોકરે ચડાવી દેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં સગા સંબંધીને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. સારવાર માટે અલ્પેશભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન ગત રાતે તેમણે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ, શકિતસિંહે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં અને અપરિણીત હતાં. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. પોલીસે રિક્ષાચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.