શિક્ષણ જગત શર્મશાર: કામાંધ પ્રિન્સીપાલે 4 બાળકીની છેડતી કરી
- રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ શ્રી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલની ચોંકાવનારી ઘટના: જાતીય સતામણીનો ભોગ બનેલી બાળાઓએ વાલીઓને રજૂઆત કરતાં સ્કૂલમાં હંગામો મચાવ્યો: આરોપીની ધરપકડ
શિક્ષણ સમાજને કલંક લગાવતો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટનાં કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં આવેલ શ્રીશ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના કામાંધ પ્રિન્સીપાલે સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર ચાર ફુલ જેવી બાળકીને વાસના સંતોષવા પોતાની ચેમ્બરમાં બોલાવી બિભત્સ ચેનચાળા કરી શારીરિક અડપલા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે પોલીસે કામાંધ પ્રિન્સીપાલની ધરપકડ કરી તેની આકરી પુછપરછ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના અંગેની પોલીસમાંથી જાણવા મળતી સિલસિલાબંધ વિગતો મુજબ કોઠારીયા રોડ પર રહેતી 14 વર્ષની બાળકીની માતાએ ભક્તિનગર પોલીસ મથકમાં મોડીરાત્રે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં આવેલ શ્રી શ્રી સરસ્વતી શૈક્ષણિક સકુંલના પ્રિન્સીપાલ રાકેશભાઈ વશરામભાઈ સોરઠીયાનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની 14 વર્ષની ધો.8માં અભ્યાસ કરતી સગીર પુત્રીને સ્કૂલમાં અભ્યાસ કરવા ગઈ હતી ત્યારે પ્રિન્સીપાલે પોતાની ચેમ્બરમાં બોલાવી ઓફિસ બંધ કરી દઈ માસુમ વિદ્યાર્થિનીનો હાથ પકડી શારીરિક અડપલા કર્યા હતાં અને બથમાં લઈ વિદ્યાર્થિની જાતિય સતામણી કરી હતી. ધો.8માં ભણતી વિદ્યાર્થિની સતત બે દિવસ પ્રિન્સીપાલે ચેમ્બરમાં બોલાવી જાતિય સતામણી કરી હતી.
આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ ઘરે જઈ માતા પિતાને વાત કરતાં વાલીઓ સ્કૂલ પર દોડી ગયા હતાં અને હંગામો મચાવી દીધા બાદ પોલીસ બોલાવી પડી હતી.મામલો આખો પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસે તપાસ કરતાં કામાંધ પ્રિન્સીપાલે સ્કૂલમાં જ અભ્યાસ કરતી 14 વર્ષની બે બાળકી અને 11 વર્ષની બે બાળકીને પોતાની ચેમ્બરમાં અવારનવાર બોલાવી જાતિય સતામણી કર્યાનું બહાર આવતાં પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠયા હતાં.
આ મામલે પોલીસે ભોગ બનનાર બાળકીના વાલીની ફરિયાદ પરથી છેડતી અને પોકસો હેઠળ ગુનો નોંધી રાતોરાત વાસના ભૂખ્યા પ્રિન્સીપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પુછપરછમાં કામાંધ પ્રિન્સીપાલ છેલ્લા આઠ મહિનાથી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓને અવારનવાર પોતાની ચેમ્બરમાં બોલાવી જાતિય સતામણી કરતો હોવાનું બહાર આવ્યું છે.આ બનાવ અંગે ભક્તિનગર પીઆઈ એમ.એમ.સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી સઘન પુછપરછ હાથ ધરી છે.
શાળાનો આચાર્ય આમ આદમી પાર્ટીનો પ્રભારી નીકળ્યો
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ શ્રી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી 11 થી 14 વર્ષની ચાર બાળકીને ચેમ્બરમાં બોલાવી જાતિય સતામણી કર્યાની પ્રિન્સીપાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્ય રાકેશ વશરામભાઈ સોરઠીયાની ધરપકડ કરી પુછપરછ કરતાં આરોપી આમ આદમી પાર્ટીનો શહેર પ્રભારી હોવાનું પણ બહાર આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આરોપીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા-70માં ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. એટલું જ નહીં પરંતુ આરોપી રાકેશ સોરઠીયા રીંગ રોડ પર સન ફલેમ ઈન્ટરનેશનલ સ્કૂલ પણ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આરોપીના વધુ કરતૂતો બહાર આવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.