ખંભાળિયા નગરપાલિકાના વાર્ષિક બજેટમાં શિક્ષણ, તબીબી સેવાઓ અને સ્વચ્છતાને પ્રાધાન્ય
ખંભાળિયા નગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2024-25 ના બજેટમાં અનેકવિધ પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત એકાઉન્ટ ધવલભાઈ ગોસ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા આગામી વર્ષના બજેટમાં વર્ષ દરમિયાન કર અને ભાડાની રૂપિયા 4.56 કરોડની ઉપજ, વિવિધ ગ્રાન્ટના રૂપિયા 50 કરોડ તેમજ વ્યાજના રૂપિયા 55 કરોડ અને રૂપિયા 4.28 કરોડની પરચુરણ ઉપજ, વિગેરે મળી વર્ષ દરમ્યાન કુલ 69,51,53,500 ની ઉપજ અંદાજવામાં આવી છે.
નગરપાલિકામાં આગામી વર્ષ દરમિયાન જાહેર બાંધકામ માટે રૂપિયા 28.29 કરોડ, પબ્લિક હેલ્થ એન્ડ સેનિટેશન માટે 13.11 કરોડ, જનરલ એડમિનિસ્ટ્રેશન માટે 2.71 કરોડ, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે 28 લાખ, વોટર વકર્સની કામગીરી માટે 16.70 કરોડ સહિત વર્ષ દરમિયાન 70,18,58,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આમ, નગરપાલિકા માટે ચાલુ વર્ષની 23.09 કરોડની ઉઘડતી સિલક સાથે 69.51 કરોડની અંદાજિત ઉપજ માફીને કુલ 92,61,31,749 ની અંદાજિત આવક પછી 70,18,58,000 નો અંદાજિત ખર્ચ બાદ કરતાં 22,42,73,749 ની અંદાજિત સિલક આ બજેટમાં દર્શાવવામાં આવી છે. આ બજેટને જનરલ બોર્ડમાં મંજૂરી સાંપળી છે.