બોગસ શાળાઓને તાળાં મારી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનો DEOને આદેશ
રાજયભરમાં નકલી શાળાઓ ઝડપાઇ રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે જે અંગે ગાંધીનગર સુધી ફરીયાદ કરવામાં આવતા શિક્ષણ બોર્ડ સફાળુ જાગ્યું છે અને રાજયમાં આવી ડમી શાળાઓની તપાસ કરી બંધ કરાવી અને નિયમાનુસાર કાર્યવાહી કરવા તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને ગુજરાત બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરેલા પત્રમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ આઇઆઇટી, આઇઆઇએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ-11 થી જ શરૂૂ થાય છે.
માટે આઇઆઇટી, આઇઆઇએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ-10 પાસ કર્યાં બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે, અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે તેવી રજુઆત મળી છે. આપના જિલ્લામાં ડમી શાળાઓ આવેલી હોય તો તે શાળાઓની તપાસ કરી આવી શાળાઓ બંધ કરવામાં આવે. શિક્ષણ બોર્ડના પરિપત્રથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ દોડતા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડો.પ્રિયવદન કોરાટ દ્વારા પત્ર લખી ફરીયાદ કરાઇ હતી જેમાં રજુઆત કરી હતી કે 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ આઇઆઇટી, આઇઆઇએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ - 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ - 11થી જ શરૂૂ થાય છે, માટે આઇઆઇટી, આઇઆઇએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ - 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે. અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ - 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે, આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે. અને આ શિક્ષકો ધોરણ - 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતાં નથી તેમજ એન-કેન પ્રકારે ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર પોતાની શાળામાં મંજૂર કરાવી, વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતના શિક્ષણ જગતને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.