તહેવારોની સિઝન પહેલાં ખાદ્યતેલ ફુલ ગરમ, મોંઘવારીમાં તળાવા માટે જનતા - જનાર્દન તૈયાર !
હજુ શ્રાવણ મહિનો, રક્ષાબંધન, જન્માષ્ટમી, નોરતા, દિવાળીને સમય છે તે પહેલાં સિંગતેલમાં ડબ્બે રૂા. 70, કપાસિયામાં રૂા. 80 નો ઉછાળો
રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂૂપિયાનો વધારો થયો છે. અગાઉ સીંગતેલનો ડબ્બો 2380 રૂૂપિયાના ભાવે મળતો હતો, જેનો ભાવ વધીને 2450 રૂૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220 રૂૂપિયાથી વધીને 2300 રૂૂપિયા સુધી પહોંચી છે. તહેવારો ટાળે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતાનાં બજેટ પર અસર જોવા મળી રહી છે.
ગુજરાતમા ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક મોટો બોજ પડ્યો છે. રાજકોટ સહિતના બજારોમાં આજે (ગુરુવારે) સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂૂપિયા 80નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સીંગતેલના ભાવમાં 70 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. આગામી સમયમાં શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગ વધતી હોવાથી પહેલેથી જ ભાવમા કૃત્રિમ ઉછાળો જોવા મળી રહ્યો છે.આ વર્ષે મગફળીનુ મબલક ઉત્પાદન થયું હતું પરંતુ તહેવારો પહેલા જ ભાવ વધારાનો તેલીયા રાજાઓ સક્રીય થઇ ગયા છે અને છેલ્લા ચાર દિવસથી ભાવ વધારી રહયા છે . આ ભાવ વધારામા સામાન્ય જનતાને પીસવાની તૈયારીઓ થઇ રહી હોવાની વાત જાણકારો વ્યકત કરી રહયા છે.