રાજકોટ-જૂનાગઢ-અમદાવાદ અને મુંબઈમાં ઈડીના દરોડા
વિવિધ બેંક ખાતામાં રૂા.8.50 કરોડ ફ્રીઝ કરી રૂા.12 લાખની રોકડ અને ડિજિટલ દસ્તાવેજો કબજે
છેતરપીંડી પ્રકરણમાં ઈડીએ દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરોડા પાડયા છે. જેમાં મુંબઈ, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાં અલગ અલગ કંપની અને પેઢીને ત્યાં ઈડીના દરોડા પડતા ઉદ્યોગ જતમાં ફફડાટ ફેલાયો હતો. ઈડીએ હાથ ધરેલી તપાસ દરમ્યાન અલગ અલગ બેંક ખાતાના રૂા.8.50 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી છે. આ પ્રકરણમાં હજુ પણ દરોડા ચાલુ રહેશે તેમ ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું. EDએ દિલ્હી-NCR, મુંબઈ, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈડીએ PMLA એક્ટ 2002 હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
વિપુલ જોષીની માલિકીની દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર ચોઠાણી એમ. ગોબરભાઈ વિરૂૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સાથે જ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં તન્વી ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર સુરેન્દ્ર અભય ચપલોટ, કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ચિરાગ પટેલના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 12.5 લાખ જેટલી રોકડ રકમ, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. છેતરપીંડી પ્રકરણ મામલે થોડા દિવસ અગાઉ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદ ઝોનલ ઓફિસના અધિકારીઓએ અમદાવાદ અને રાજકોટમાં જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ અને ડાયેરક્ટરોના ઘરે દરોડા પાડયા હતા. કંપનીએ 196.82 કરોડની બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટી મેળવીને બેન્કને આર્થિક નુકસાન કરાવ્યું હતું. જે અંગે ઈડીએ તપાસ શરૂ કરી હોય અને ઈડીએ બે દિવસ દરોડાની કામગીરી કરી મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. રાજકોટની જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરો કમલેશ માવજીભાઇ કટારિયા અને નીતેશ માવજીભાઇ કટારિયા, કમલેશ કુમાર કાંતિલાલ રાજપુરાના ઘરે અને ઓફિસોમાં ઈડીએ દરોડાની કામગીરી હાથ ધરી હતી. ઈડી દ્વારા અમદાવાદમાં ચાર સ્થળે અને રાજકોટ અને ગોંડલમાં 6 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી 341 કરોડ ભેગા કર્યા
ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઈડીના દરોડા પાછળ ચાઈનીઝ એપ્લીકેશનનું કનેકશન સામે આવ્યું છે. કોરોના કાળમાં એકટીવ થયેલી પાવર બેંક નામની એપ્લીકેશન મારફતે લોનની લાલચ આપી 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચે આ કંપનીએ 341 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોય આ મામલે ઈડીએ તપાસ શરૂ કરતાં ચાઈનીઝ કંપની સાથે સાંઠગાંઠ ધરાવતાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની આ કંપનીઓના નામ જાણવા મળ્યા હતાં. જેના આધારે ઈડીએ રાજકોટ, અમદાવાદ અને જૂનાગઢમાં દરોડા પાડયા છે. એપ્લીકેશન સાથે જોડાયેલી કંપનીના ડીરેકટરો અને સંચાલકોને ત્યાં તપાસ કરી આ 341 કરોડની છેતરપીંડીમાં ઈડીએ તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. પાવર બેંક એપ્લીકેશન કંપનીનું નામ ઈન્ડીયા પાવર હતું જે બેંગ્લોરની આઈ.ટી.કંપનીએ તૈયાર કરી હતી અને આ કંપની પર માર્ચ 2021થી મે 2021 સુધી 341 કરોડ રૂપિયા એકત્ર કરવાનો આરોપ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની અનેક કંપનીઓ હજુ પણ ઈડીના રડારમાં છે અને આગામી દિવસોમા હજુ પણ દરોડા પડશે.