નોટબંધી વખતે કાળા નાણાને સફેદ કરનાર મહર્ષિ ચોકસી વિરૂધ્ધ પ્રોસિકયુશન દાખલ કરતી ઇડી
નોટબંધી વખતે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના આર્થિક ગુનેગારોએ લાંબા સમયથી બંધ અને નિષ્ક્રિય બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી કરોડો રૂૂપિયાનો ખેલ પાડ્યો હતો. આવી જ રીતે એક નિષ્ક્રિય બેંક એકાઉન્ટમાં કરોડો રૂૂપિયાનો ખેલ પાડનાર સુરતના મહર્ષિ સંજયભાઈ ચોક્સી અને તેના સાથીદાર હિમાંશુ શાહ દ્વારા 60.52 કરોડ રૂૂપિયાની ગેરરીતિ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે સીબીઆઇ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેની તપાસ કરી રહેલી ઇડીની ટીમે તેમની વિરુદ્ધ પ્રોસિક્યુશન દાખલ કરી હોવાનું જાણી શકાયું છે.
ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી), સુરત સબ-ઝોનલ ઓફિસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ સ્પેશિયલ કોર્ટ અમદાવાદ ખાતે મહર્ષિ સંજયભાઈ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે પ્રોસિક્યુશન દાખલ કરી છે. ઇડીની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે નોટબંધી દરમિયાનના ’ડિમોનેટાઈઝ્ડ સ્પેસિફાઈડ બેંક નોટ્સને ગેરકાયદે બેંકિંગ સિસ્ટમમાં દાખલ કરી 60.52 કરોડના ’પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ કરવામાં આવ્યા હતા.
ઇડીએ આ તપાસ સીબીઆઇ ગાંધીનગર દ્વારા કરાયેલી ફરિયાદ અને તપાસ પરથી શરૂૂ કરી હતી. અધિકારીઓને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે મહર્ષિ એસ. ચોક્સી અને હિમાંશુ શાહે મળીને નિરવ એન્ડ કંપની નામે એક નિષ્ક્રિય એકાઉન્ટ ખોલવા માટે નિરવ આર. શાહના ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, જેની માલિકને કોઈ ખબર નહોતી. આ ખાતામાં તેઓએ 36.17 કરોડની જૂની ચલણી નોટો જમા કરાવી હતી.
આ ઉપરાંત મહર્ષિ અને તેના સાથીદાર સુનીલ રમેશભાઈ રૂૂપાણીએ અધૂરા KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને બીજી એક પેઢી એસ.આર.ટ્રેડર્સના ખાતામાં 24.35 કરોડની જૂની નોટો જમા કરાવી હતી. આ રીતે ત્રણેય આરોપીએ કુલ 60.52 કરોડની જૂની નોટો સિસ્ટમમાં દાખલ કરી કાળા નાણાં કાયદેસર કરાવી લીધા હતા.
ઇડીની તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આ રકમના મલ્ટી ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા, જેથી સિસ્ટમ તેમને પકડી શકે નહીં. ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ સોનું-ચાંદી ખરીદવા અથવા વ્યક્તિગત દેવા ચૂકવવા માટે થયો હતો. રૂૂપિયા ફેરવવામાં હથોટી ધરાવતા આ ખેલાડીઓએ 2 લાખથી ઓછા બિલોમાં ઙઅગ આપવાની છૂટનો દુરુપયોગ કરીને અનેક અજાણ્યા લોકોના નામે ખોટી વેચાણ એન્ટ્રીઓ કરી, કાળા નાણાંને સફેદ તરીકે રજૂ કરવાની કોશિશ કરી હતી.