હિંસાના પડઘા, ગામ્બિયાનું પ્રતિનિધિમંડળ ગુજરાત યુનિ.માં દોડી આવ્યું
- અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ પણ આવશે, વીડિયો કોન્ફરન્સથી યુનોને જાણ કરવામાં આવી
ગુજરાત યુનિવર્સિટીમાં ગત શનિવારે રાતે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાની ઘટનાના પડઘા વિશ્વકક્ષાએ પડ્યા છે. આ મામલે પશ્ચિમ આફ્રિકાના નાનકડા એવા દેશ ગામ્બિયાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યું હતું.આ પ્રતિનિધિ મંડળે ભોગ બનેલા વિદ્યાર્થીઓ અને કુલપતિની મુલાકાત લીધી હતી. બીજી તરફ બધા દેશના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વીડિયો-કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હોવાનું પણ જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં બનેલા બનાવના બે દિવસ બાદ હવે અલગ અલગ દેશોના હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી આવવાનાં શરૂૂ થયાં છે. ગામ્બિયા દેશનું હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી પહોચ્યું હતું. તેમના દેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ હાઈ કમિશને કુલપતિ સાથે બેઠક કરી હતી. 4 સભ્યની ટીમ અને કુલપતિ વચ્ચે બેઠક ચાલી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને એમ કહેતા ટાંકવામાં આવ્યા કે, ગામ્બિયા દેશના ડીસીએમ, ફર્સ્ટ સેક્રેટરી અને વિદ્યાર્થી પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરીને સલામતીની ખાતરી કરી હતી, ટીમને સંતોષ થયો છે. ટીમે જણાવ્યું કે, અમને તમારી કાર્યવાહીથી સંતોષ છે. એમને ખાતરી મળી છે કે વિદ્યાર્થીઓ સલામત છે. આગામી શુક્રવારે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ ગુજરાત યુનિવર્સિટી આવશે. અમે કોઈ વિદેશી વિદ્યાર્થીની ક્યાંય ફરિયાદ કરી નથી.
મીડિયા રિપોર્ટ મુજબ બનાવના બીજા જ દિવસે એટલે કે રવિવારે બધા દેશના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વીડિયો-કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓ યુનાઈટેડ નેશનને આ બનાવમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. હવે વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશન્સ, રાજ્યના સીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરે એવી શક્યતાઓ પણ છે.બુધવારથી શુક્રવારની વચ્ચે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ પણ અમદાવાદ આવશે અને વિદ્યાર્થીઓને મળશે. આ સાથે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વરદાક પણ આવી શકે.
નમાજ સિવાયના કારણો પણ જવાબદાર: કુલપતિ ડો.નીરજા ગુપ્તા
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા માત્ર જાહેરમાં નમાઝ પઢવાની બાબતને જ જવાબદાર માનતા નથી. તેમનું કહેવું છે કે અહીં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાતમાં શાકાહારી સમાજની ભાવના અને સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને આચરણ કરવું જોઇએ.
કુલપતિનું કહેવું છે કે માત્ર નમાઝ પઢવાની બાબતે આટલી મોટી ઘટના ન બની શકે. અહીંની સંસ્કૃતિ અંગે વિદેશી વિદ્યાર્થીઓને જાણકારી આપવી જોઇએ અને વિદ્યાર્થીઓએ પણ તે માટે સંવેદનશીલ બનવું જોઇએ. તેઓ માંસાહાર કરે છે પણ મોટાભાગના ગુજરાતીઓ શાકાહારી છે. તેમના દ્વારા ફેંકાતા કચરાથી મુશ્કેલી થઇ શકે. નમાઝ અદા કરનાર કોઈની સાથે આપણો સમાજ એટલો અસહિષ્ણુ નથી. આપણે વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક સમાજ, રિવાજો અને ભાવનાઓ અંગે સમજાવવું પડશે જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
16 વર્ષ સુધી યુનિવર્સિટીના સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર પદે રહેલા કુલપતિના મતે વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય વાતચીતનો અભાવ પણ આવી સમસ્યાનું કારણ હોઇ શકે છે. તેમણે કહ્યું કે અગાઉ અમે વિદ્યાર્થીઓને એક હેન્ડબુક આપતા હતા જેમાં સ્થાનિક સંસ્કૃતિ વિશે શું કરવું અને શું ન કરવું તે શામેલ હોય પણ હવે આવી હેન્ડબુક બંધ કરી દેવાઇ છે.