લોકરોષનો પડઘો: સત્યસાંઈ રોડ પરનો બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ પડતો મુકાયો
ખાતમુહૂર્ત કર્યા બાદ મોરચો ખૂલતા ટેન્ડર રદ કરવા કવાયત
રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા સત્યસાંઈ રોડ પર આવેલ મનપાના પ્લોટ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવા માટે મેયરના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ બોક્સ ક્રિકેટના કારણે યુવાનોની સાથો સાથ અસામાજીક તત્વો પણ એકઠા થશે જેના લીધે આજુબાજુની સોસાયટીઓની બહેન દિકરીઓને રોડ ઉપર નિકળવું મુશ્કેલ બની જશે આથી આ બોક્સ ક્રિકેટ ન્યુસન્સ પોઈન્ટ ન બને તે માટે કામ બંધ કરવાની રજૂઆત પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી હતી. અને આ વિસ્તાર ભાજપનો ગઢ હોવાથી પોતાના મતદારો નારાજ ન થાય તે માટે આજે બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ પડતો મુકવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ સ્થળોએ બોક્સ ક્રિકેટ બનાવવામાં આવી રહ્યા છે. જેના થકી મનપાને પણ મોટી આવક થઈ રહી છે. ત્યારે સત્યસાંઈ રોડ ઉપર નારાયણ નગરની બાજુમાં મનપા દ્વારા બોક્સ ક્રિકેટ બનાવવાનો પ્રારંભ કરાતા પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન અને આજુબાજુના અન્ય સોસાયટીના રહેવાસીઓએ આ બોક્સ ક્રિકેટનો વિરોધકરી બોક્સ ક્રિકેટ ન્યુસન્સ બની જશે તેમ જણાવી મેયરને રજૂઆત કરી હતી. સત્યસાંઈ રોડ ઉપર આવેલ પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન દ્વારા મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરી જણાવેલ કે, ભાજપ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પરંતુ સત્યસાંઈ રોડ ઉપર તૈયાર થતાં બોક્સ ક્રિકેટને વિકાસ કેવી રીતે ગણવો અત્યાર સુધી આ વિસ્તારમાં અસામાજીક તત્વોની રંજાડ જોવા મળી નથી. પરંતુ બોક્સ ક્રિકેટ થયા બાદ આ સ્થળ ઉપર અસામાક તત્વોને ભેગા થવા માટે મોકળુ મેદાન મળી જશે જેના લીધે આ રોડ ઉપરથી પસાર થતી બહેન દિકરીઓને નિકળવું મુશ્કેલ બનશે તેમ જણાવતા આજે શાસકપક્ષની બેઠકમાં નિર્ણય લઈ બોક્સ ક્રિકેટ પડતો મુકવાનો નિર્ણયલેવામાં આવ્યો હતો.