દ્વારકા પાણી… પાણી… 24 કલાકમાં પોણા બે ફૂટ વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ પાણી વરસતા જળબંબાકાર, અનેક માર્ગો બંધ થયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે શુક્રવારે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ભારે હાલાકીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સૌથી વધુ 20। ઈંચ વરસાદ સાથે દ્વારકા તાલુકો કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. આ સાથે દ્વારકામાં ગત સાંજે બે કલાકમાં સાંબેલાધારે 10 ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ આજે સવારથી બપોર સુધીમાં વધુ 10। ઈંચ પાણી પડતા ભારે હાલાકીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂૂપે કુલ સાડા 5 ઈંચ જેટલો (134 મી.મી.) વરસાદ વરસી ગયો હતો હતો. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થઈ ગયા હતા.
દ્વારકામાં ગત સાંજે આભ ફાટ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે સાંજે ચાર થી છ વાગ્યે દરમિયાન ધોધમાર 10 ઈંચ સાથે છેલ્લા પાંચેક કલાકમાં આશરે 12 ઈંચથી વધારે વરસાદ પડ્યા બાદ વધુ 8। ઈંચ પાણી વરસી જતાં બપોર સુધીમાં વરસાદ 20। ઈંચ સુધી પહોંચતા દ્વારકા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવું ચિત્ર ખડું થયું હતું.
દ્વારકાના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક સ્થળે નીચાણવાળા ભાગોમાંથી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઇસ્કોન ગેઈટ, ગુરુદ્વારા, તોતાદ્રી મઠ જેવા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકામાં કાલે સવારથી આજે બપોર સુધીમાં 24 કલાક દરમિયાન 20। ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુરમા ભારે વરસાદના કારણે બતડીયા, ભાટિયા, રાવલ, ધતુરીયા, ટંકારીયા, રાજપરા, વીગેરે ગામોમાં પણ આઠથી દસ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ છે. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોના ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તાલુકાના લીંબડીથી દ્વારકા વાયા ચરકલા જતે રસ્તે રેણુકા નદીમાં પુર આવતા આ રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ભાટિયાના કાલેશ્વર મહાદેવ પાસેના વિસ્તારોના અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તાલુકાના હરીપર ગામ પાસે આવેલું એક તળાવ તૂટતા આ ધોધમાર વરસાદના પગલે હરીપર ગામથી પાનેલી તરફ જતા માર્ગે ઊર્જા વિભાગની એક બોલેરો પાણીના કાઢીયામાંથી પસાર થતી વખતે ધોધમાર વહેણના કારણે તણાવવા લાગી હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ખંભાળિયા નજીકના ગોઈજ પાસે પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેથી ગ્રામ્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં સસરાચર વરસાદના કારણે નાના-મોટા જળ સ્ત્રોતો મહદ અંશે ભરાઈ ગયા હતા.
જિલ્લાના અનેક ગામોમાં ગુરુવારે રાત્રે ભારે વીજળીના ગગડાટ અવિરત રીતે રહ્યા હતા. પરંતુ ભગવાન દ્વારિકાધીશે જાણે જિલ્લાની રક્ષા કરી હોય તેમ કેટલાક મકાન કે વીજ ઉપકરણોને નુકસાની બાદ કરતા કોઈ મોટી જાનહાની કે નુકસાની થઈ ન હતી. આ સાથે જિલ્લા પ્રશાસન પણ તમામ વ્યવસ્થા માટે અવિરત રીતે સક્રિય રહ્યું હતું.