મોરબીમાં ઢોરને બચાવવા જતાં ડમ્પર કાર પર ખાબક્યું, 3નાં મોત
મહિલા અને બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઈ, બેફામ દોડતા ડમ્પરો સામે પગલાં ભરવા માંગ
મોરબી સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બનતો જાય છે અને અગાઉ આ મુદ્દે હાઇકોર્ટે પણ આકરી ટીકાઓ કરી છે તેમ છતાં પણ રજડતા ઢોરની સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી. તેવામાં આજે સવારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસે રજડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં તે બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગમખ્વાર અકસ્માતના આ બનાવમાં મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા તુષાર બાલુભાઈ માલવિયા (ઉ.30), જાંબુવાના રહેવાસી વરૂૂણભાઇ ઉર્ફે ગુડ્ડુ વાસકલે (ઉ.28) અને એમપીના રહેવાસી મહેશ સિંગાર (ઉ.23) નામના ત્રણ યુવાનોના મોત નીપજયાં છે. જો કે, અકસ્માતના આ બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલ સુવિધાબેન તુષારભાઈ માલવીયા (ઉ.24) અને તેની દીકરી દીના તુષારભાઈ માલવીયા (ઉ.9)ને ઈજા થયેલ હોવાથી તેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે. અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્ટિકા ગાડી મોરબી તરફથી વાંકાનેર બાજુ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે વાંકાનેર બાજુથી ડમ્પર મોરબી તરફ આવી રહ્યું હતું. દરમિયાન બંધુનગર ગામ પાસે તે ડમ્પર પહોંચ્યું હતું અને તે ઓવર સ્પીડમાં હોય નેશનલ હાઇવે રોડ ઉપર તે ડમ્પરની આડે આખલો આવ્યો હતો. જેથી કરીને તેની સાથે ડમ્પર અથડાતા ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કરીને તે વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું. આ જીવલેણ અકસ્માત સર્જાયો છે અને મોરબીથી સુરત જઈ રહેલ દંપતી ખંડિત થયેલ છે. આ બનાવમાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.