મનપાની બેદરકારીથી લાખોની કચરાપેટી સડી ગઇ
ચેેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાની તપાસ કરવા રજૂઆત
રાજકોટ મ્યુ.કોપીરેશનમાં છેલ્લા સાત વર્ષથી ભુતકાળ બની ગયેલી કચરા પેટીઓ શહેરની ભાગોળે ફેકી દેવાતા સડી ગઇ છે. પ્રજાના પૈસામાંથી ખરીદ કરાયેલી લાખોની કિંમતની કચરાપેટીઓ કાટમાળ બની જતા પ્રજાના પૈસાનું પાણી થયુ છે. શહેરના 18 વોર્ડમાં હજારોની સંખ્યામાં કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જે એકાએક રદ કરી વોર્ડ દીઠ 2પ થી 30 ટીપરવાન ખરીદવામાં આવ્યા હતા. રદ કરાયેલી કચરાપેટીઓની સંખ્યા હજારોની હતી. જે રફેદફે કરી દેવામાં આવી છે. થોડી ઘણી પેટીઓ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર એક પ્લોટમાં સડી રહી છે. નવા આવેલા કમિશનર દ્રારા આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
કચરાપેટીઓની કિંમત ભલે પાસેરામાં પુણી જેવી હોય પરંતુ એના ઓઠા હેઠળ કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે. એમ સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાએ જણાવ્યુ હતું. ઝછઙ કાંડ બાદ ટીપીઓ મનસુખ સાગઠીયાએ આચરેલ કરોડોનો ભ્રષ્ટાચાર જગજાહેર થયેલ છે ત્યારે રાજકોટ મ્યુ.કમિશનર આ દિશામા તપાસ કરે તો ટીપરવાન ખરીદી અને સફાઈ કામદારોની હાજરીમા ભયંકર ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આ ગેરરીતિઓમાં અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓની પણ સંડોવણી ખુલે તેમ છે એમ રાજુ જુજાની એક યાદીમા જણાવાયુ છે.