સાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગાર
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.2ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને વિશેષ બદામ, કાજુ, એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7 કલાકે કોઠારીશ્રી વિવેકસાગર દાસજી સ્વામી (અથાણા વાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
બપોરે 11:15 કલાકે બદામ, કાજુ, એલચી વિગેરે પ્રકારના ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. શ્રી હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પવિત્ર શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે બનાવેલા દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે. જેમાં દેવાધિદેવ મહાદેવની થીમની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને પણ 500 કિલોથી વધુ ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને આજે ડ્રાયફ્રુટનો શણગાર પણ કરવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટ અમદાવાદથી મંગાવ્યા છે.