ડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધ
સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોનો બસ ઉપાડવાનો ઈન્કાર કરાતા તંત્રમાં દોડધામ
ઓવર હીટિંગથી બંધ થયેલી સિટી બસો પાટે ચડે તે પહેલાં નવી ઉપાધિથી અનેક રૂટ બંધ
મહાનગરપાલિકા સંચાલિત સીટીબસનો અકસ્માત થયા બાદ ગાડુ પાટે ચડતુ ન હોય તેમ આજે પણ શહેરમાં અડધાથી ઓછી સીટીબસો દોડતી હોવાનું માલુમ પડેલ છે. થોડા સમય પહેલા બેટરી હિટીંગના કારણે 100થી વધુ ઈલેક્ટ્રીક સીટીબસ બંધ કરવામાં આવી હતી અને હવે રિપેર થયેલી સીટી બસો ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે જ ડ્રાઈવરોએ ડબલસીટમાં કામ આપો તો જ નોકરી કરવી છે તેમ જણાવી અનેક ડાઈવરો હાજર ન થતાં 234 સીટીબસમાંથી 152 બસનો સેલ્ફ ન લાગતા અનેક રૂટ ખોરવાઈ ગયા હતાં અને છેવાડાના રૂટમાં દોડતી બસ સમયસર ન પહોંચતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. જેના લીધેતંત્રએ એજન્સીને રૂપિયા 10 હજારનો દંડ કરી ફરી વખત સીટીબસ રેગ્યુલર કરવા કવાયત હાથ ધરી છે.
શહેરના ઈન્દિરા સર્કલ પાસે સીટીબસ અકસ્માત બાદ અનેક ડ્રાઈવરોએ એજન્સીની જવાબદારી ફીક્સ થાય તે મુદ્દે હડતાલ પાડી અમુક દિવસ સુધી સીટીબસના રૂટ ખોરવી નાખ્યા હતાં. જેના લીધે એજન્સી સાથે મીટીંગ યોજી તંત્ર દ્વારા તમામ પ્રકરણને ઠંડુ પાડી રેગ્યુલર બસ સેવા પુર્વવત કરી હતી. ત્યારે જ ઈલેક્ટ્રીક બસમાં 45 ડિગ્રી તાપમાનના કારણે બેટરી હીટીંગ થવાના તેમજ ઈલેક્ટ્રીક બસના અનેક સેન્સરો બંધ થઈ જવાની ઘટનાના પગલે એજન્સી દ્વારા 100થી વધુ બસને રિપેરીંગ માટે વર્કશોપમાં મોકલી હતી. અને તે સમયે પણ અનેક રૂટો બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ સાળા કોલેજોમાં વેકેશનના કારણે વિદ્યાર્થીઓનો ટ્રાફિક બંધ રહેવાના કારણે તંત્રએ હાશકારો લીધો હતો. અને તમામ બસનું રિપેરીંગ કરી ફરી વખત રાબેતા મુજબ રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી. ત્યારે જ ડ્રાઈવરોએ હવે ડબલ શીપમાં કામ આપવાનો હઠ્ઠાગ્રહ કરી અનેક ડ્રાઈવરોએ રજા મુકી બસડેપોએ હાજર ન થતાં તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું છે.
શહેરમાં બીઆરટીએસ અને સીટીમાં કુલ 234 બસ દોડાવવામાં આવી રહી છે. જે પૈકી 152 બસ ડેપોમાં પડી રહેતા હાલ બીઆરટીએસ રૂટ ઉપર 15 બસ અને શહેરમાં 67 બસ દોડી રહી છે જેના લીધે અનેક વિસ્તારોના રૂટ ખોરવાઈ ગયા છે. તેવી જ રીતે વધુ પેસેન્જર વાળા રૂટ ઉપર કે જ્યાં એકથી વધુ બસ દોડતી હોય તેવા રૂટ ઉપર કાપ મુકવામાં આવતા પેસેન્જરોમાં દેકારો બોલી ગયો છે. ગત તા. 16થી આ પ્રકારની સમસ્યા ઉભી થયેલ હોય તંત્ર દ્વારા હાલ પુરતું એજન્સી પીએમઆઈ અને મારુતીને રૂપિયા 10 હજારનો દંડ ફટકારી સંતોષ માન્યો છે. જેની સામે પેસેન્જરોનો ઉહાપો ટાળવા માટે ડાઈવરોને સમજાવી નોકરી પર ચડાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે. છતાં ઓછા પગારથી નોકરી કરતા ડ્રાઈવરોને એક પગારમાં પુરુ થતું ન હોય ડબલ શીપમાં કામ કરવાની માંગણી કરી છે. ત્યારે એજન્સી દ્વારા પગાર વધારો અથવા ડબલશીપમાં કામ આપવું પડે તેવા સંજોગો સર્જાયા છે.
કિલોમીટરના નિયમોનો એજન્સી દ્વારા ઉલાળિયો
મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક સીટી બસનું સંચાલન બે એજ્નસીને સોંપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના નિયમમુજબ એક સીટી બસ માટે શહેરમાં ચોક્કસ કીલોમીટર દોડાવવાનો નિયમ અમલમાં છે. જેના લીધે બસ બંધ રહેવાથી અથવા એક રૂટ ઉપર ઓછા ફેરા કરવાના કારણે કિલોમીટરનો નિયમ પુરો થઈ શકતો નથી. જેના લીધે અમુક સીટીબસો વગર પેસેન્જરે પણ દોડાવવામા ંઆવતી હોવાનું જાણવા મળેલ છે. છતાં બસો બંધ રહેતા અને અનેક રૂટ ઉપર નિયમ મુજબના ફેરા ન થતાં એજન્સીને તંત્ર દ્વારા દંડ ફટકારવાનો શિલશિલો યથાવત રહ્યો છે. જેના લીધે એજન્સીએ પણ આ મુદ્દે ઉપર સુધી રજૂઆત કરાશે તેમ જાણવા મળેલ છે.