માલવણ હાઇવે પર ટ્રેલર પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોત
માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. DD-01-K-9015 નંબરના ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશરના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.ટ્રેલર ચાલક સુર્યનારાયણ યાદવ (46, બિહાર)ના જણાવ્યા મુજબ, તેઓ અખગજ કંપનીમાંથી સ્ટીલની કોઈલ અને શીટ ભરીને અંજારથી સુરત હજીરા જઈ રહ્યા હતા. ટ્રેલરનું ટાયર ફાટી જતાં તેમણે લિફ્ટેડ ટાયર લગાવ્યું હતું.
25 સપ્ટેમ્બર 2025ની રાત્રે માલવણ ટોલનાકા પાસે ફરી એકવાર ટાયર ફાટ્યું હતું. કંપનીના સુપરવાઈઝર વિશાલની સલાહ મુજબ ટ્રેલર આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સવારે લગભગ 3:45 વાગ્યે આઈ સોનલ હોટલથી આગળ મોટી મજેઠી ગામના રસ્તા પાસે એચ.પી. પેટ્રોલ પંપની સામે અકસ્માત સર્જાયો.
અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આઈશર ચાલક ગાડીમાં ફસાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. ક્રેન દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બજાણા પોલીસ મથકના જે.એમ. વહેર કેસની તપાસ કરી રહ્યા છે.