વણપરી ટોલનાકા પાસે બાઇક બળદ સાથે અથડાતાં ચાલકનું મોત
પડધરી નોકરી કરી ખજૂરી ગામે પરત ફરતા આધેડને કાળે આંતર્યા
પડધરી તાલુકાના ખજુરી ગામે રહેતા આધેડ પડધરી નોકરી કરી પોતાનું બાઈક લઇ ઘરે જઈ રહ્યા હતા ત્યારે વણપરી ટોલનાકા પાસે બાઈક બળદ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખજૂરી ગામે રહેતા જગદીશભાઈ મગનભાઈ સોંદરવા નામના 52 વર્ષના આધેડ પોતાનું બાઈક લઇ પડધરીના ખજુરી ગામ જઈ રહ્યા હતા ત્યારે વણપરી ટોલનાકા પાસે રસ્તા પર બળદ અચાનક આડો ઉતરતા જગદીશભાઈએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક બાઈક સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં જગદીશભાઈ સોંદરવાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં જગદીશભાઈ એકની એક બહેનના એકના એક ભાઈ હતા અને તેમને સંતાનમાં ચાર પુત્ર છે જગદીશભાઈ સોંદરવા પડધરીમાં ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા અને નોકરી કરી ઘરે પરત જતા હતા ત્યારે રસ્તામાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ કરે છે.