વરસાદી સિઝનમાં જ ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી ઠપ
નાકરાવાડીના ગ્રામજનોએ કચરાના ટ્રકો અટકાવતા સિટીના બન્ને ડમ્પ હાઉસફુલ, અધિકારીઓ દોડી ગયા
રાજકોટ શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ટીપરવાન દ્વારા એકઠો કરવામાં આવે છે. જે શહેરના ડંમ્પ ખાતે નાખવામાં આવે છે ત્યાંથી ટ્રક મારફતે નાકરાવાડી ડમ્પ ખાતે કચરાનો નિકાલ કરાતો હોય છે. આ સ્થળે કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે. જોકે વર્ષોથી આ મામલે ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ફરી વિવાદ થયો છે કચરાના ઢગલામાં સોશાતુ પાણી ભુગર્ભમાં ઉતરી બોરના પાણીમાં આવતા તેનું પરિણામ ગામવાસીઓને ભોગવવું પડ્યું છે.
પ્રોસેસિંગના અભાવે કચરાના ડુંગરો ઊભા થયા છે અને તેને કારણે જમીન અને જળનું પ્રદૂષણ થયું છે. મનપાએ પ્રોસેસિંગ માટે કરોડો રૂૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પરિણામ નથી મળ્યું. વરસાદ બાદ ફરીથી પ્રદૂષણ ફેલાતા ગ્રામવાસીઓ કે જે 20 વર્ષથી પ્રદૂષણ અટકાવવા લડત ચલાવી રહ્યા છે તેઓએ ફરિયાદ કરવા માટે જીપીસીબીને બોલાવી હતી અને મનપાના ડમ્પર અટકાવી દીધા હતા.
પરિણામે શહેરમાંથી એકઠા થતાં કચરાનો નિકાલ ન થતાં કચરા એકત્રિકરણનું કામ ઠપ્પ થઈ જતાં ઉચ્ચઅધિકારીઓનો કાફલો નાકરાવાડી ખાતે દોડી ગયો હતો.મનપા દ્વારા નાકરાવાડી ખાતે કચરાનું ડમ્પીંગ કરવામાં આવી રહ્યું છે. તેનો વિરોધ કરી ગ્રામજનોએ જણાવેલ કે, નાકરાવાડીમાં ડમ્પિંગ સાઈટને કારણે માત્ર નાકરાવાડી જ નહિ આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે.પ્રદૂષણ સામે જંગે ચડેલા લોકોએ અથાગ પ્રયત્ન કરતા ગ્રીન ટ્રિબ્યૂનલે મનપાની ભારે ઝાટકણી કાઢી છે અને દંડ પણ ફટકાર્યો છે. જેને લઈને મનપાએ જૂના કચરાનો નિકાલ અને નવો કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવાનું કામ ચાલુ કરીને હવે પ્રદૂષણ નહિ ફેલાય તેવી ખાતરી આપી હતી.
નાકરાવાડીના નેક કચરાના ડુંગરો પર વરસાદ પડતા પાણી શોષાયું હતું અને હવે આ પાણી કચરાનું ધોવાણ કરીને આસપાસના નદી-નાળામાં ભળી રહ્યું છે. કચરામાંથી નીકળેલું આ પાણી ગટરના પાણી કરતાં પણ ગંદું અને પ્રદૂષિત છે અને આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ છે. જેને લઈને ગામવાસીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી અને સ્થળ પર બોલાવ્યા હતા.
જોકે અધિકારીઓએ એમ કહ્યું કે, આ અટકાવવાનું કામ મનપાનું છે તેને જાણ કરો. આ કહેતાં જ ગામવાસીઓએ વિરોધ કરીને કહ્યું હતું કે, જીપીસીબીને સફાઈ કરવા નહિ પણ મનપા સામે ફરિયાદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.
ત્યારબાદ અધિકારીઓએ સરવેની કામગીરી કરી હતી. બીજી તરફ મનપાના કચરા ભરેલા ડમ્પર નાકરાવાડી સાઈટ પર જતા હતા તેમને અટકાવી દઈને વિરોધ કર્યો હતો.જ્યાં સુધી પ્રદૂષિત પાણી વહેતું બંધ ન થાય ત્યાં સુધી મનપાને કામ કરવા દેવામાં આવશે નહિ તેવું કહેતા અધિકારીઓમાં દોડધામ થઈ પડી હતી અને ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
સ્વચ્છતા રેન્કિંગમાં ફરી વિઘ્ન
રાજકોટ શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ કાર્ય કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્માર્ટ સીટી અને સ્વચ્છતા રેકીંગમાં મનપાને દર વર્ષે પછડાટ મળી રહી છે. જેનું મુખ્ય કારણ નાકરાવાડી કચરાના ઢગલા હોવાનું બહાર આવ્યું છે. જેથી તંત્ર દ્વારા કચરાનું પ્રોસેસીંગ કરવાનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. છતાં છેલ્લા 20 વર્ષથી લડતા નાકરાવાડીના ગ્રામજનોએ ફરી વખત કચરાના ડમ્પીંગ સામે વિરોધ કરતા સ્વચ્છતા રેકીંગમાં આ વખતે પણ નાકરાવાડી ભાગ ભજવશે તેવું લાગી રહ્યું છે.