ખંભાળિયામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી કચરા જેવી... લોકોમાં ઉગ્ર રોષ
ખંભાળિયા શહેરમાં તમામ સાત બોર્ડમાં કચરો એકત્ર કરવા માટે ખાસ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ તેની કામગીરી ખૂબ જ નબળી અને અનિયમિત હોવાથી એજન્સી સામે બેદરકારીની ફરિયાદો ઉઠવા પામી છે.
ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર માટે તરંગી યોજનાની જેમ વાર્ષિક આશરે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ચોક્કસ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ફરજ બજાવતા 40 જેટલા રોજમદાર કર્મચારીઓ તેમજ ડ્રાયવરોનો પગાર ચાલુ હોવા છતાં પણ આ યોજના અમલમાં છે અને પાલિકા ઉપર પગારનું ડેમરેજ ચડે છે. આ વચ્ચે કચરાની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું જોવા મળી રહ્યું છે.
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો દરરોજ ઉપાડવાનો હોય છે. તેમ છતાં અહીંના પોસ વિસ્તાર એવા રામનાથ, એસ.એન.ડી.ટી.ના વોર્ડ નંબર 7 માં બે દિવસે એક વખત કચરો ઉપાડવામાં આવે છે. વિસ્તારમાં પહોંચી ન વળતા આ ડોર ટુ ડોર કચરા કલેક્શનવાળા કર્મચારીઓ પાલિકાના વિસ્તારોમાં પહોંચી ન શકતા હોવાની બાબતો વચ્ચે આ વાનમાં અન્ય એક સાથી કર્મચારીને બદલે ફક્ત ડ્રાઇવર જ આવે છે અને લોકોએ તેમાં કચરો નાખવાનો રહે છે.
તાજેતરમાં આ વિસ્તારમાં ચાર-પાંચ દિવસ કચરાનું વાહન ન આવતા આ વિસ્તારના રહીશોને પોતપોતાના ઘરમાં કચરો એકત્ર થઈ જતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વાહનમાં સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ નાખવાનો હોય છે. તેને બદલે તમામ ખાનામાં બધો કચરો એક સાથે જ નાખવામાં આવે છે.
કચરાનું કોઈ વાહન બગડે તો તુરંત વૈકલ્પિક વ્યવસ્થા કરવાના બદલે આ વિસ્તારમાં બીજે દિવસે કચરો એકત્ર કરવામાં આવે છે. થોડા સમય પૂર્વે કચરાના વાહનમાં કાટમાળ, પાણાં નાખી અને તેનું વજન વધુ કરાવવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ ઉપરાંત અનેક વખત સફાઈ અધિકારીઓ દ્વારા તેઓને રંગે હાથે પકડીને દંડ પણ કરાયો હતો. આમ, એજન્સીની આ ગંભીર બેદરકારી શહેરભરમાં ભારે ટીકાપાત્ર બની છે. આ મુદ્દે અધિકારીઓ દ્વારા એજન્સી સામે પગલાં લેવા માટેની માંગ પણ ઉઠી છે.