ચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી
મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા લેવાયો નિર્ણય
રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરિયાત પુરી કરવા માટે 400 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે ત્યારે જ બેડી ખાતે આવતું 135 એમએલડી નર્મદાનીર રિપેરીંગ કામ અંતર્ગત બંધ કરવાની નર્મદા નિગમે જાહેરાત કરતા રાજકોટમાં પાણીકાપનો ભય ઉભો થયો હતો. જેના નિરાકરણ માટે મનપાના પદાધિકારીએ તેમજ ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના ગઈકાલે ગાંધીનગર ખાતે દોડી ગયા હતાં જ્યાં કૃષિ મંત્રી રાઘવજીભાઈની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ વર્ષે રિપેરીંગ કામ ન કરવામાં આવે તેવી રજૂઅતા કરેલ પરંતુ સુએજ અને લીકેજ માટે રિપેરીંગ ફરજિયાત હોય 135 એમએલડી પાણીની ઘટ પુરી કરવા માટે વચલો રસ્તો કાઢવામાં આવ્યો હતો. અને હવે હડાળા ખાતે કે જે અગાઉ સંપ ચાલુ હતો તે ચાલુ કરી મચ્છુ-1 ડેમમાંથી હડાળા સુધી પાઈપલાઈન મારફતે પાણી લઈ આવી 135 એમએલડીની ઘટ પુરી કરવામાં આવશે. આથી પાણીકાપ નહીં આવે તેવી ખાતરી સરકારે આપી હતી.
રાજકોટ શહેરની દૈનિક જરૂરિયાત 395 એમએલડી છે. જેની સામે આજી-1 ડેમમાંથી 130 એમએલડી અને ન્યારી-1 ડેમમાંથી 140 એમએલડી અને ભાદર ડેમમાંથી 35 એમએલડી અને બાકીનું 135 એમએલડી બેડી ખાતેથી ઉપાડવામાં આવી રહ્યું છે. આજી-1 અને ન્યારી-1 ડેમ ખાલી થઈ જતાં હાલમાં સૌની યોજનાના નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા છે અને બન્ને ડેમ છલોછલ ભરી દેવામાં આવશે. પરંતુ ઢાંકી ખાતે લીકેજ અને સુએજનું કામ કરવાનું હોય આગામી તા. 24થી નર્મદાનીરની તમામ સપ્લાય બંધ કરવામાં આવશે. જેના લીધે બેડી ખાતે પાઈપલાઈન મારફતે દરરોજ આવતું 135 એમએલડી પાણી મળી શકશે નહીં આથી આટલી મોટી ઘટ પુરી થઈ શકે તેમ ન હોય ભરઉનાળે પાણીકાપ ઝીંકવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થતાં મહાનગરાપલિકાના પદાધિકારીઓ સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે સફળ રજૂઆત કરતા હાલ પુરતો પાણીકાપનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે.
મચ્છુ-1 ડેમમાંથી પાણી ઉપાડાશે
બેડી ખાતે મળતા 135 એમએલડી નર્મદાનીરનું વિતરણ આગામી દિવસોથી બંધ થઈ જવાનું હોય સરકાર દ્વારા હવે મચ્છુ-1 ડેમમાંથી પમ્પીંગ કરી હડાળા ખાતે પાણી સપ્લાય કરવામાં આવશ.ે અગાઉ હડાળા ખાતે સંપ બનાવેલ અને મચ્છુ-1 ડેમ સુધીની પાણીની લાઈન પણ નાખવામાં આવેલ હોય આ જુની લાઈનનો ઉપયોગ કરી 135 એમએલડીની ઘટ પુરી કરવામાં આવશે. જેના લીધે દૈનિક 400 એમએલડી પાણી વિતરણની જરૂરિયાત આસાનીથી પુરી થશે.