ચારણનો ચાળો ન કરતા, ગીગા ભમ્મરનો બફાટ
- આહીર અને ચારણ સમાજમાં રોષની લાગણી, ફરિયાદ નોંધાવવા તજવીજ
તળાજાના આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરનું આઇ સોનલ અંગે વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગીગા ભમ્મરે ચારણ-ગઢવી સમાજ પર અભદ્ર ભાષામાં શાબ્દિક પ્રહાર કર્યા છે. ચારણ સમાજના માતાજી વિશે પણ મનફાવે તેમ બોલતા ગઢવી સમાજમાં અને આહીર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
એક વીડિયો વાયરલ થયે છે. જેમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, ચારણનો ચાળો કોઈ દિવસ ન કરતા. ઘેર આવે તો બે રૂૂપિયા આપીને કાઢી જ મુકજો. ચારણએ તેમની માતા અને દીકરી સિવાય કોઈના વખાણ જ નથી કર્યાં. વધુમાં જણાવી રહ્યાં છે કે, આ ભાઈઓએ દેવાયતના દીકરાને કપાવી નાંખ્યો. એ લોકોએ ભાઈએ ભાઈઓને જુદા કરી નાંખ્યા.
આ મુદ્દે આહીર સમાજના લોકસાહિત્યકાર માયાભાઇ આહીરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુ:ખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કલાકાર હરેશદાનએ કહ્યું કે, ઇતિહાસ જાણ્યા વગર ગીગા ભમ્મરે સવાલ ઉઠાવ્યા છે. તો જીતુદાદએ કહ્યું કે, આવા વ્યક્તિને કાયદાકીય સજા થવી જોઇએ. પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે.આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું કે, આપણે કંઈ નુકસાન કર્યું હોય તેમ ઝેર ઓકે છે, કહેવત પ્રમાણે ઓટલા યુનિર્વસિટી એટલે કે, ખબર જ ન હોય તેમ. ચારણત્વ શું છે તે તમે જાણો અને ન જાણવું હોય તો જાહેરમાં તમે બોલો ન. તેમણે વધુમાં કહ્યું કે, ચારણ 18 જાતિઓ સાથે જોડાયેલા છે. તેમણે અનેક બલિદાનો આપ્યા છે. આદીકાળથી ચારણ અને આહીર સમાજનો ઉજળો સંબંધ છે તે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે.
વીડિયો ટૂંકાવીને ખોટું અર્થઘટન કરાયું: જીલુભાઈ આહીર
ગીગાભાઈ ભમ્મરના પુત્ર જીલુભાઈ આહીર એ પોતાના પિતા દ્વારા બોલાયેલા શબ્દોને લઈ કહ્યું હતું કે ખરેખર આઠેક મિનિટનો વિડિઓ છે. તેમાં ચારણ સમાજનો ચાળો ન કરવો, આવે તો સન્માન સાથે રૂપિયા આપવાની વાત છે. તેને ટૂંકો કરીને વિવાદ સર્જાય તેવું રૂપ આપવામાં આવ્યું છે. ચારણ સમાજએ મહા શક્તિ છે તેવો કહેવાનો અર્થ હતો. આહીર અને ચારણ સમાજના સંબધો ફૂલ અને સુગંધ જેવા છે.