ગુજરાતમાં ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય હવાઇ પ્રવાસીમાં 19.42 લાખનો વધારો
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી ફક્ત અમદાવાદ એરપોર્ટ ઉપર વધુ ધસારો જાવો મળતો હતો પરંતુ હવે સુરત, વડોદરાથી લઇને ભૂજ અને ભાવનગરના એરપોર્ટ ઉપર પણ મુસાફરો મોટી સંખ્યામાં ઉતરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
2022-23માં ગુજરાતમાં કુલ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 5,02,232ની હતી તે વધીને 2023-24માં ઓકટોબર સુધી 6,42,246 થવા પામી છે. ગુજરાતમાં અન્ય કેટલાક રાજ્ય કરતા હજુ પ્લેન મારફતે આવતા મુસાફરોની સંખ્યા ઓછી છે તેમ છતાં તેમાં વધારો થઇ રહ્યો છે. 9 ડિસેમ્બરે દેશમાં એર ટ્રાવેલ ડેટા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અપાયેલા આંકડામાં ગુજરાત દેશના ટોપ ટેન રાજ્યમાં સામેલ થયાનું દર્શાવાયું છે. ગુજરાતમાં 2022-23માં કુલ 1,25,49,379 મુસાફરો હતા તે 2023-24માં અત્યાર સુધી 1,44,91,510 જેટલા નોંધાયા છે. જે હાલની ગત વર્ષની સરખામણીમાં 19,42,131 વધુ છે. 2023-24માં હવાઇ મુસાફરોમાં ડોમેસ્ટિક પ્રવાસીઓ 1,38,49,264 હતા જે ગત વર્ષે 1,20,47,147 હતા. તો આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરો 2023-24માં 6,42,246 હતા જે ગત વર્ષે 5,02,232 હતા. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 1,40,014 મુસાફરોની સંખ્યા વધી છે. જો કે અનેક રાજ્ય કરતા ગુજરાત હજુ ઘણું પાછળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને ગીરના સિંહો જોવા મોટી સંખ્યામાં દેશમાંથી પ્રવાસીઓની સંખ્યા વધી છે.