યુનિટી ફાઉન્ડેશનના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ
સમૂહલગ્નના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ ડો.ભરત બોઘરા ઉપર મનમૂકીને વરસ્યા
રાજકોટમાં શનિવારે રાત્રે 81 દીકરીના સમૂહલગ્નના લાભાર્થે એક ભવ્ય લોકડાયરો યોજાયો હતો. યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ લોકડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપનાં આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપર રૂૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો દ્વારા ભરત બોઘરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરત બોઘરા પર રૂૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભરત બોઘરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ ગઇ હતી. આ તમામ રકમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યક્રમમાં ‘ગુજરાત મિરર’ના ડાયરેકટર પરેશભાઇ ગજેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના ચારેય ધારાસભ્યો તથા આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મનમૂકીને સમૂહલગ્નોત્સવ માટે પૈસાનો વરસાદ કર્યો હતો.