ગોવાની બીચ પાર્ટીને ઝાંખી પાડે તેવી BRTSની બસમાં ડી.જે.પાર્ટી !
પાર્ટીવેર, કાળા ગોગલ્સ, ડી.જે.ની ધમાલ, ડાન્સ વિથ ડ્રિંકની મોજેમોજનો વીડિયો વાયરલ થતાં કાંડ બહાર આવ્યો
સુરતની સડકો ઉપર નબીરાઓએ ત્રણ કલાક કર્યો તમાશો, છતાં તંત્રની આંખે અંધાપો
મુંબઇની પ્રખ્યાત મહિલા ડીજેએ સૂર રેલાવ્યા અને યુવાનો ચાલુ બસે છાકટા બન્યા
બાળકોની સંસ્થાના નામે બાકાયદા મંજૂરી પણ લેવાઇ, કાંડ બહાર આવતા જવાબદારોની ઠેકાઠેકી
પંચરંગી શહેર સુરતના યુવાધનને હવે ફોરેન સ્ટાઇલની પાર્ટીઓનો ચસ્કો લાગ્યો હોય તેમ સુરત મહાનગરપાલિકા સંચાલિત બી.આર.ટી.એસ.ની બસમાં ગોવાની ડાન્સિંગ બોટને આટી મારે તેવી ડી.જે.પાર્ટી કરતા ભારે ચકચાર જાગી છે. જો કે, સરકારી બસમાં કરાયેલા આ કાંડના વીડિયો બહાર આવતા હવે જવાબદાર અધિકારીઓ અને પાર્ટીના આયોજકો બચાવની સ્થિતિમાં આવી ગયા છે.
ચાલુ બીઆરટીએસમાં છોકરા-છોકરીઓએ વેસ્ટર્ન સ્ટાઇલથી પાર્ટી કરી હોવાનું બહાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના રસ્તાઓ ઉપર લગભગ ત્રણ કલાક આ જલ્સો ચાલ્યો હતો અને અનેક લોકોએ તે ખુલ્લી આંખે નિહાળ્યો હતો પરંતુ જવાબદાર તંત્રની આંખે મોતિયો આવી ગયો હોય તેમ કોઇને આ કાંડની ખબર જ પડી નહીં.
સુરતની આ ઘટનાના વીડિયો જાહેર થયો છે. જેમાં બીઆરટીએસ બસમાં એક મોડલ જેવી છોકરી ડીજે વગાડી રહી છે. યુવકો હાથમાં ડ્રિંકસ લઈને નાચી રહ્યા છે. આ હાઇફાઇ નજારો જોશો તો તમને લાગશે કે આ કોઈ વિદેશની બસ છે. પણ તમે જાણીને ચોંકી જશો કે આ કોઈ વિદેશની બસનો નહીં પણ સુરતની BRTS બસનો નજારો છે. રવિવારના દિવસે જ્યારે લોકો મોજના મૂડમાં હોય ત્યારે સુરતની BRTS બસમાં આ જલસો થઈ ગયો. લાલ કલરના બોયકટ વાળ, ટ્રેન્ડી એસસરીઝ, વેસ્ટર્ન કપડાં, ગળામાં હેડફોન ને બસમાં ડીચક...ડીચક...ડીચક...આ છોકરી કોઈ બીજુ નહીં પરંતુ મુંબઈની પ્રખ્યાત મહિલા ડીજે કીબો હતી. તેણીએ BRTS બસમાં ગોવાની બીચ પાર્ટી જેવી મહેફીલ જમાવી દીધી હતી. એક તરફ બસની બહાર વાહનોનો ઘોંઘાટ હતો તો બીજી તરફ બસમાં કીબોના કીબોર્ડની કમાલ હતી.
પાર્ટી વેર, કાળા ગોગલ્સ અને ઇમ્પ્રેસિવ ડાન્સ મૂવ કરતી ગર્લ્સ, હાથમાં ડ્રિન્ક ને ડાન્સ કરતા બોયઝ, આંખે ગોગલ્સ ચડાવી બસમાં પાર્ટીને એન્જોય કરતા મુસાફરોનો આ નજારો જોઇ અન્ય વાહન ચાલકોની આંખો પણ પહોળી થઇ ગઇ હતી.
ગોવાની ડાન્સિંગ બોટને પણ આટી મારે આ BRTS બસ પાર્ટીના વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે આયોજકોથી માંડીને મંજૂરી આપનારા લોકો જેમ લોકો ચાલુ બસે ઠેકડા મારીને ઉતરી જાય તેમ જવાબદારીમાંથી છટકી ગયા. ચાલુ ઇછઝજમાં ડીજે પાર્ટી કરી. યુવકો છાકટા બની 18 કિલોમીટર નાચ્યા. સુરતનો રોડ 3 કલાક બાનમાં લીધો અને જ્યારે જવાબદારી લેવાની વાત આવી ત્યારે બધાએ હાથ ખંખેરી લીધા.
આ પાર્ટી ઓન વ્હિલની વાત કરીએ તો BRTS બસમાં ડીજેનું સેટઅપ હતું. મુંબઈની પ્રખ્યાત ડીજે કીબો પોતાના સંગીતે મુસાફરોને ડોલાવી રહી હતી. યુવક-યુવતીઓ કાળા ગોગલ્સ ચડાવી ડીજેના તાલે હાથમાં ડ્રિક્સ લઈ છાકટા બન્યા હતા. 18 કિમીના રૂૂટ પર એક તરફ બસ ચાલી રહી હતી તો બીજી તરફ ચાલુ બસે યુવાઓ ડાન્સ કરી રહ્યા હતા, એન્જોય કરી રહ્યા હતા. અને બહાર રોડ પર વાહનચાલકો આવતા જતા આ તમાશો જોઈ રહ્યા હતા. લગભગ ત્રણ કલાક આ તમાશો ચાલ્યો હતો.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, ત્યારે જાણવા મળ્યુ છે કે, જેમાં સુરત શહેરની ‘કિડ લોકલ’ નામની સંસ્થા દ્વારા તા.9મી ઓગસ્ટે બીઆરટીએસ બસમાં ભારે તામજામ સાથે ડીજે વગાડાયું હતું. ચાલુ બસમાં જ ડી.જે વગાડીને વીડિયોગ્રાફી કરાઈ હતી અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર રીલ્સ સ્વરૂૂપે પોસ્ટ કરવામાં આવ્યો હતો. મનપાના અધિકારીઓને આ અંગે જાણ પણ કરાઈ ન હોવાનો દાવો છે. જ્યારે આયોજક કહે છે કે પરમિશન લીધી હતી. જ્યારે પરિવહન ચેરમેન કહે છે કે આ બાબતે અધિકારીએ તેમને પણ કોઈ જાણ કરી ન હતી. મનપાની બસોમાં મનપાની જાણ વિના આવી પ્રવૃત્તિ થતાં હવે વિવાદ થયો છે.
સમગ્ર મામલે કિડ લોકલ સંસ્થા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, સુરત મહાનગરપાલિકા પાસેથી અને અન્ય સંબંધિત સંસ્થા પાસેથી તમામ પરમિશનો લેવામાં આવી હતી. સિટીલિંક પાસેથી પરવાનગી લેવાઈ હોવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ હકીકતમાં મનપા તરફથી શરતો આધીન પરવાનગી અપાઈ નથી તેમ વિભાગીય વડાએ જણાવ્યું હતું. બીઆરટીએસ બસ જેવી જાહેર વાહન વ્યવહાર સેવામાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના આ પ્રકારનું આયોજન કરવું કાયદેસર નથી. પરિણામે કિડ લોકલ સંસ્થા સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.
સિટીલિંકના મેજેનર પ્રવીણ પ્રસાદે આ અંગે શાસકો કે વિભાગીય વડાને પણ જાણ કરી નહોતી. સિટી બસની સ્કૂલ પ્રવાસ કે અન્ય જરૂૂરિયાત માટે ભાડે આપવા માટેની જોગવાઈ છે પરંતુ બીઆરટીએસની બસ સરકારી કાર્યક્રમો સિવાય અન્ય કોઈ જગ્યાએ ફાળવવા કે ભાડે આપવા કોઈ ઠરાવ થયો નથી, તેમ છતાં સિટીલિંકના મેનેજરે બારોબાર આ રીતે મંજૂરી આપતા વિવાદ થયો છે.
આયોજકે ભૂલ સ્વીકારી વીડિયો અપલોડ નહીં કરવા ખાતરી આપી
સિટીલિંકના મેજેનર પ્રવિણ પ્રસાદે જણાવ્યું હતું કે, ગગન ઢીંગરા નામના યુવકને કિડ્સ લોકલ નામની સંસ્થા છે. છેલ્લા ચાર પાંચ મહિનાથી તે અમારો એપરોચ કરી રહ્યા હતા. તેમનો હેતુ પણ સારો હતો અને તેના બે લાખ જેટલા ફોલોવર પણ છે. તે યુવક ખૂબ જ ઉત્સાહી હતો જેના પગલે એક દિવસ ડેપોમાં મ્યુઝિકલ ડાન્સ કરવા માટે ગયા હતા અને વીડિયો શૂટ કર્યા હતા. જેમાં મારા ધ્યાનમાં આવતા જ તાત્કાલિક તેમને કહ્યું હતું કે આ પ્રમાણે નહીં ચાલે. તે લોકોએ જાતે પણ સ્વીકાર કર્યો છે કે અમારી ભૂલ થઈ ગઈ છે. તે લોકોએ બાંહેધરી આપી હતી કે વીડિયો અપલોડ નહીં કરે. ઈન્સ્ટાગ્રામ પર એક રીલ્સની પોસ્ટ આવી હતી જેમાં વીડિયો પોસ્ટ થઈ ગયા હતા. આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા મેં તેમને જે હેતુ માટે હાયર કર્યા હતા તે હેતુનો ભંગ થતાં મારા ધ્યાન પર આવતાની સાથે જ નિયમ પ્રમાણે નોટિસ પણ આપી છે અને પોલીસ કમિશનર સાહેબને તેમની ફરિયાદ પણ કરી છે.
અમે તો બીઆરટીએસ બસને યુથમાં પ્રમોટ કરવા માગતા હતા: ઢીંગરા
આ મામલે કિડ્સ લોકલ સાથેના ગગન ઢીંગરાએ જણાવ્યું હતું કે, જે રીલ વાયરલ થઈ છે તે એક અમારો અભ્યાસ હતો. બસ લોકલ કરીને જે અભ્યાસ હતો તેમાં બીઆરટીએસ બસને યુથની અંદર પ્રમોટ કરવા માગતા હતા. યુથને બીઆરટીએસ બસ તરફ એંગેજમેન્ટ કરવાનો આશય હતો. બીઆરટીએસ બસને પ્રમોટ કરવા માટે યુથને લાઈવ મ્યુઝિક કલ્ચરથી વધુ સમજ પડે છે તે માટે આ પ્રયાસ કરાયો હતો. જે રીતે મીડિયામાં પ્રેઝન્ટ થયું છે તે રીતે આ એક ડીજે પાર્ટી ન હતી.