બજારોમાં દિવાળીની રોનક : ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યો
કપડાં, શૂઝ, ફેશન જ્વેલરી, ઘર સુશોભન સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી: અવનવા ફટાકડાની ખરીદી માટે બાળકો સહિતનાઓની સ્ટોલ ઉપર ભારે ભીડ
રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં રંગીલા શહેર તરીકે પ્રખ્યાત છે. દરેક તહેવારોની પરંપરાગત ઉજવણી કરવામા શહેરીજનોમાં થનગનાટ જોવા મળતો હોય છે. જેમા દિવાળીના તહેવારોમાં ખરીદી કરવાનો ઉમંગ હરહંમેશા રહી રહયો છે. આ વખતે પણ દિવાળીની શૃંખલા શરૂ થતા જ બજારોમાં દિવાળીની રોનક જોવા મળી હતી અને બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા હતી. મોડી રાત્ર સુધી દુકાનો ખુલ્લી રહેતા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં કપડા, શૂઝ, ફેશન જ્વેલરી, ઘર શુસોભન અને ઇલેકટ્રોનિક સહિતના સામાનની ધુમ ખરીદી જોવા મળી હતી.
શહેરીજનો ઉપરાંત આસપાસના જિલ્લઓમાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. શુસોભનની અવનવી વેરાયટીઓ ખરીદવા માટે મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી હતી. તેવી જ રીતે શહેર ભરના નાના મોટા ફટાકડાના સ્ટોલ પર બાળકો સહિતનાઓએ અવનવા ફટાકડાની ખરીદી કરવા લાઇનો લગાવી હતી. છેલ્લા ત્રણ દિવસથી શહેરની તમામ બજારો તેમજ નાની મોટી દુકાનોમાં લોકોએ જરૂરીયાત મુજબની ખરીદી કરવા ભારે ભીડ લગાવી હતી. ધાર્યા કરતા વધુ ધરાકી નીકળતા દુકાનદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ કપડા, શૂઝ, ફેશન જ્વેલરી, ઘર શુસોભનની વસ્તુઓ ઇલેકટ્રોનિક અને ઇલેકટ્રીક આઇટ્મનો કરોડો રૂપિયાનો વેપાર થયો છે.
શુભ મુહૂર્ત સાચવતા શહેરીજનો
રંગીલા રાજકોટ વાસીઓએ અવનવી વસ્તુઓ ખરીદવા માટે છેલ્લા પાંચ દિવસથી બજારોમાં ભારે ભાડી લગાવી છે અને આજે દિવાળીના દિવસે શુભમુહૂર્ત સાચવવા માટેની ખરીદી માટે પણ ફૂલબજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘર, કારખાના, ઓફિસોમાં નવા વર્ષ તેમજ દિવાળીના ચોપડા પૂજન કરવાની પરંપરાગત પ્રણાલી આજે પણ જોવા મળી રહી છે. આસોપાલવના તોરણ અને ફૂલહાર તેમજ ફૂલના પડા સહિતની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. આજે દિવાળીના દિવસે ચોપડા પૂજન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તેવી જ રીતે નવા વર્ષના પ્રારંભે અને લાભપાચમના દિવસે શુભમુહૂર્ત કરી ધંધાની શરૂઆત કરવામાં આવશે. તેવી જ રીતે ઘરોમાં પણ પરંપરાગત ઉજવણી સાથે નવા વર્ષના વધામણા કરવામાં આવશે.
અધધ રૂા.480 કરોડનું ટર્નઓવર
40 કરોડ + ફટાકડા
50 કરોડ + વાહનો
98 કરોડ + કપડાં- કાપડ
35 કરોડ + ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ
30 કરોડ + મોબાઈલ- એક્સેસરીઝ
95 કરોડ + રીઅલ એસ્ટેટ
17 કરોડ + ઈલેક્ટ્રિક સુશોભન
65 કરોડ + મીઠાઈ-ફરસાણ-ડ્રાયફૂટ
10 કરોડ + રંગોળી મટિરિયલ
30 કરોડ + ગૃહ ઉપયોગી સામગ્રી
