યાર્ડમાં દિવાળી, જણસીની વધેલી આવકથી પટાંગણ ઉભરાયું
950થી વધારે વાહનમાં 84000 મણ મગફળી, 32500 મણ સોયાબીન, 21000 મણ કપાસ, 4500 મણ જીરૂ અને 6500 મણ તલની ઉતરાઇ
દિવાળીનો તહેવાર નજીક આવતા રાજકોટ બેડી યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં વધારો થયો છે. આજે 950થી વધારે વાહનોમાં મગફળી, કપાસ, સોયાબીન, તલ અને જીરૂની આવક થતા યાર્ડનું પટાંગણ ઉભરાઇ ગયું હતું. દિવાળી નજીક હોવાથી ખેડુતો પણ રોકડી કરવાના મુડમાં છે અને ખુલ્લા બજારમાં ભાવ પણ સારા મળી રહ્યા હોય જણસી વેચવા રાતથી યાર્ડ બહાર કતારમાં ટોકન લઇ ઉભા રહી જાય છે. યાર્ડ દ્વારા ખેડુતો અને જણસી માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા એકવીસ દિવસમાં 56090 કિવન્ટલ મગફળી અને 41340 કિવન્ટલ કપાસના સોદા થયા છે. દિવાળીના તહેવાર અગાઉ જ યાર્ડમાં રૂા.28 કરોડની મગફળી અને રૂા.21 કરોડના કપાસની ખરીદી અને વેંચાણ કરવામાં આવ્યું છે. હજુ પણ આ સપ્તાહમાં કરોડોના સોદા થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 950થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં મગફળી, સોયાબીન, કપાસ, જીરું અને સફેદ તલની વિશેષ આવક થઇ હતી. મગફળીમાં 84000 મણ, સોયાબીનની આવક 32500 મણ, કપાસની 21000 મણ, જીરુંની આવક 4500 મણ અને સફેદ તલની આવક 6500 મણ આવક થઇ હતી.
જ્યારે ડિરેક્ટર દિલીપભાઈ પનારાએ જણાવ્યું હતું કે, ચાલુ ચોમાસે દશેરા પછી સુધી વરસાદ વરસતા મગફળી અને કપાસમાં ભેજ બેસી ગયો હોવાને કારણે ગુણવત્તા નબળી પડતા ઓછા ભાવ ઉપજી રહ્યા છે પરંતુ હાલ વાતાવરણ ચોખ્ખું થઇ જતા તેમજ શિયાળાની ઋતુના પૂર્વ દિશાના સૂકા પવન શરૂૂ થતા આ પવન મગફળી અને કપાસનો ભેજ સૂકવી નાખશે જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્રની આ બન્ને મુખ્ય ખેત પેદાશની ગુણવત્તા સુધરશે. ગુણવત્તા સુધરતા ભાવ પણ વધુ ઉપજશે. અલબત્ત હાલ પણ સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં દરેક જણસીના સારા ભાવ ઉપજતા હોય રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાના ખેડૂતો પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેંચવાના આગ્રહી બન્યા છે.
દિવાળીની રજા જાહેર
1 મુખ્યયાર્ડ - બેડી 20/10/2025 થી 25/10/2025
2 શાકભાજી વિભાગ સબયાર્ડ-રાજકોટ 20/10/2025 થી 25/10/2025
3 બટેટા વિભાગ સબયાર્ડ - રાજકોટ 21/10/2025 થી 24/10/2025
4 ડુંગળી વિભાગ સબયાર્ડ - રાજકોટ 20/10/2025 થી 25/10/2025
5 ઘાસચારા વિભાગ સબયાર્ડ - રાજકોટ 20/10/2025 થી 25/10/2025