શિક્ષકો માટે 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત
રાજ્યની પ્રાથમિક શાળામાં ધો.6થી 8ના વિદ્યાસહાયકની ભરતીમાં ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કર્યો હોવાના પણ કેટલાક ઉમેદવારોએ માર્કસ રજૂ કર્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યા બાદ ચાલુ નોકરીએ રેગ્યુલર કોર્સ કર્યાના જે ઉમેદવારોએ માર્કસ દર્શાવ્યા છે, એ ઉમેદવારોને માર્કસ દૂર કરાવવા માટે 5 જૂન સુધી તક આપવામાં આવી છે.
જો એ પછી પાછળથી આ પ્રકારની ગેરરીતિ ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પ્રકારની ફરિયાદોના લીધે આગામી 5 જૂનથી શરૂૂ થનારી જિલ્લા પસંદગી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી શિક્ષકોની ભરતીમાં ઉમેદવારોએ તેમની માગેલી લાયકાતમાં જે માર્કસ પ્રાપ્ત થયાં હોય એ ઓનલાઈન રજૂ કરવાના હોય છે. ઉમેદવારો દ્વારા રજૂ થતાં માર્કસની નિયત લાયકાત અને ગુણભારના આધારે મેરિટ તૈયાર કરવામાં આવતુ હોય છે. ધો.6થી 8ના શિક્ષક માટે અરજી કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્નાતક અને બીએડનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય છે. એ સિવાય અનુસ્નાતકના અભ્યાસનું 5 ટકા વેઈટેજ આપવામાં આવે છે. અનુસ્નાતકનો અભ્યાસક્રમ રેગ્યુલર ગણવામાં આવે છે. જોકે આ ભરતીમાં કેટલાક જ્ઞાન સહાયકો તેમજ અન્ય ચાલુ નોકરી દરમિયાનના જ વર્ષમાં અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોવાનું દર્શાવ્યુ છે.
આ મુદ્દે કેટલાક ઉમેદવારો હાઈકોર્ટમાં પણ ગયાં હતા. જેને લઈને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ધો.6થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો તેવા ઉમેદવારોએ તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા હોય તો 5 જૂન સુધીમાં ભરતી સમિતિને ઈ-મેલ દ્વારા જાણ કરી શકશે. ત્યારપછી પાછળથી ભરતી સમિતિના ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.