For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ઉપરથી ઘાત ટળી: વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

11:09 AM Aug 30, 2024 IST | Bhumika
ગુજરાત ઉપરથી ઘાત ટળી  વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
Advertisement

સવારે 6 વાગ્યે સમુદ્રમાં પ્રવેશ કરી ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું, કંડલા, મુંદ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા

કચ્છના માંડવી, લખપત અને મુંદ્રા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં નહિવત અસર

Advertisement

ગુજરાતમાં દરિયાકાંઠાના કચ્છ જિલ્લામાં ગઈકાલે અને આજે રાત્રે ભારે વરસાદ વરસ્યા બાદ આજે વરસાદે વિરામ લીધો છે પણ હવે દૂર્લભ વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. આ સંભવિત ‘અસના’ વાવાઝોડું હાલમાં કચ્છ અને પાકિસ્તાન બોર્ડરે પહોંચ્યું છે. વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કંડલા, મુંદ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા હતાં. અત્યારના હવામાન વિભાગના બુલેટીન પ્રમાણે ડિપ ડિપ્રેશન હવે ચક્રવાતિ વાવાઝોડામાં પરિવર્તિત થયું છે.

અત્યારે ચક્રવાત વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ 23.5 ડિગ્રી ઉત્તર લેટીટ્યુટ અને 68.4 ડિગ્રી પૂર્વ લોંગીટ્યુડ પર ભૂજથી 145 કિ.મી. પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ, નલિયાથી 50 કિ.મી. પશ્ર્ચિમ-ઉત્તર પૂર્વ દિશામાં છે. આજે બપોરે 12 વાગ્યે વાવાઝોડું ગુજરાતની સરહદ પાર કરીને દરિયામાં પ્રવેસશે અને પાકિસ્તાન તરફ જવાને બદલે ઓમાન તરફ ફંટાઈ જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ સૌરાષ્ટ્રના કચ્છ અને દરિયા કિનારાના વિસ્તારોને બાદ કરતા બીજા ભાગમાં ખાસ અસર જોવા મળી નથી.

ગત રાત્રીથી વાવાઝોડું 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. અને રાત્રે 12 વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચુક્યું હતું.

હવે આગળના ટ્રેક પ્રમાણે પાકિસ્તાન તરફ વાવાઝોડુ ફંટાવાને બદલે ઓમાન તરફ દરિયામાં આગળ વધશે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

11 જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી
હવામાન ખાતા પ્રમાણે આગામી દિવસોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો સહિત વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે. ગુજરાતના દરિયાકાંઠા અને પડોશી પાકિસ્તાનના દરિયાકાંઠે ગુરુવારથી 31 ઓગસ્ટ સુધી 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જે સંભવિતપણે વધીને 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. 30 ઓગસ્ટ સુધી ગેલ-ફોર્સ પવનો 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે થવાની ધારણા છે. , ખાસ કરીને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે.

લખપત, માંડવી અને અબડાસામાં સૌથી વધુ અસર
વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પ્રમાણે કચ્છ જિલ્લાના ત્રણ તાલુકા લખપત, અબડાશા અને માંડવીમાં સૌથી વધારે ચક્રવાતની અસર થઇ હતી. આ તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝુપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં બચાવ ટુકડીઓએ આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સેલ્ટર હોમમાં ખસેડીને આગોતરા પગલા રૂપે કાર્યવાહી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement