રૂા.700 કરોડના કૌભાંડમાં સ્ટીલ કં.ના ડિરેક્ટરની ધરપકડ
રાજ્યમાં બોગસ બિલિંગ કરીને જીએસટી વિભાગની તિજોરી ખાલી કરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, આ વખતે દહેગામની નંદેશ્વરી સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર ધવલ પટેલની ડીજીજીઆઇએ ધરપકડ કરી લીધી છે, આરોપીએ 700 કરોડ રૂૂપિયાના બિલો ફેરવીને 51 કરોડ રૂૂપિયા ઘરભેગા કરી લીધા છે.
દહેગામની ઝાક જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નંદેશ્વરી સ્ટીલ લિમિટેડ કંપનીમાં કરોડો રૂૂપિયાના બિલો ક્યાંથી આવ્યાં તે પણ તપાસનો વિષય છે, કરોડો રૂૂપિયાની આ હેરાફેરીની છેલ્લા કેટલાક મહિનાઓથી એજન્સી તપાસ કરી રહી હતી અને હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સને આ સમગ્ર કૌભાંડની માહિતી મળી હતી અને બાદમાં આ કેસની તપાસ શરૂૂ કરાઇ હતી, આટલું મોટું કૌભાંડ કોઇ એક વ્યક્તિ કરી શકે તે વાત માન્યામાં આવતી નથી, કરોડો રૂૂપિયા ઘરભેગા કરવાના આ સ્કેમમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોય શકે છે. હજુ સુધી ધવલ પટેલ સિવાય અન્ય કયા કૌભાંડીઓ છે તેમના નામો સામે આવ્યાં નથી, આ કેસની ઉંડી તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.