નાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક
રાજકોટ નાગરિક સહકારી બેન્કની 28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મામા અને ભાણેજની યોજાયેલ ચર્ચાસ્પદ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે વિજય મેળવ્યા બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની પસંદગીની કવાયત શરૂૂ કરવામાં આવી હતી. અને આજે શનિવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવવામાં આવેલ જેમાં સર્વાનુમતે ચેરમેન પદે દિનેશભાઈ પાઠક અને વાઈસચેરમેન પદે જીવણભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
બેન્કની નિયમ મુજબની ચૂંટણી બે પ્રક્રિયા અંતર્ગત શુક્રવારે દિનેશભાઈ અ મનહરલાલ પાઠક અને જીવણભાઈ જાદવભાઇ જાગાણીએ સર્વાનુમતે ફોર્મ ભર્યા હતા.
જેમાં દિનેશભાઈના તે નામની દરખાસ્ત ડિરેકટર દેવાંગ માંકડે મુકી હતી, જેને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો જાહેર કર્યો હતો. અને જીવણભાઈ પટેલના નામની દરખાસ્ત ડિરેક્ટર માધવ દવેએ મુકી હતી અને તેને અશોકભાઈ ગાંધીએ ટેકો આપ્યો હતો. તમામ 19 ડિરેક્ટરોએ આ બન્ને નામોની પસંદગી સાથે બહાલી આપી હતી આજરોજ સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર અને રિટર્નીંગ ઓફિસર પ્રભવ જોશીની ઉપસ્થિરતિમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લીમીટેડની હેડ ઓફિસ અરવિંદભાઈ મણિયાર નાગરિક સેવાલયના ચોથામાળે આવેલ બોર્ડ રૂમમાં ડિરેક્ટરોની મીટીંગ યોજાઈ હતી. અને તેમાં વિધિવત રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે સત્તાવાર બહાલી આપવામાં આવી હતી. દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિનિયર કાર્યકર્તા છે અને વર્ષોથી નાગરિક બેન્ક સાથે સંકળાયેલા છે.
જ્યારે ગેલેકસી ગ્રૂપના જીવણભાઇ પટેલ ઉદ્યોગપતિ છે અને 2015 થી 2020 સુધી ડિરેક્ટર બની વાઇસ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. આથી સર્વાનુમતે આજે ચેરમેન પદે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન પદે જીવણભાઈ પટેલની વરણી કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.