ગરિમાનું હનન: સ્ટેજ પર બેઠક નહીં મળતા પદવીદાનમાંથી મેયર નીકળી ગયા
છેલ્લા ઘણા સમયથી શહેરના પ્રથમ નાગરીક મેયર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં છે. મહાકુંભનો વિવાદ સમ્યો છે ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત પદવીદાન સમારોહમાં મેયરને આમંત્રણ આપ્યા બાદ સ્ટેજ પર સ્થાન નહીં આપતા મેયર કાર્યક્રમ છોડી જતા રહ્યા હતા અને મેયર પદની ગરીમાનું હનન થયું હોવાની ચર્ચા શહેરભરમાં થઇ રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ મેયરને પદવીદાન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ગઇકાલે મેયર નયનાબેન પેઢડીયા કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમને આવકારવા કોઇ ગયુ હતું નહીં અને સ્ટેજ પર તેમનું સ્થાન પણ નહીં હોવાથી તેઓ ત્યાંથી અપમાનની ભાવના સાથે નિળી ગયા હતા. હદ તો ત્યારે થઇ જયારે મેયરને કોઇએ ગાડી સુધી મુકવા જવાની પણ તસ્દી લીધી હતી નહીં અને ગાડી સુધી મેયર એકલા ગયા હતા અને વિવાદ છેડયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેયર પદની ગરીમાનું હનન કર્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ અંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે સમારોહ માટે મને અઠવાડીયા પૂર્વે જ નિમંત્રણ આપવામાં આવ્યું હતું હું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગઇ હતી પરંતુ મારી માટે ત્યાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી યુનિવર્સિટીના રજીસ્ટ્રારે બેઠક ખાલી કરી ત્યાં બેસવા કહ્યું હતું પરંતુ મેયર તરીકે અન્યની બેઠક પર બેસવું યોગ્ય નહીં લાગતા હું ત્યાંથી નિકળી ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ કુંભમાં પ્રવાસ બાબતે પણ વિવાદ થયો હતો ત્યારે પણ રાજકીય સોગઠા ગોઠવાયા હોવાની વાત વહેતી થઇ હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ મેયર વિરૂધ્ધ એક જુથ સક્રીય થયું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડયું છે.