સાંસદ-ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવો વરસતા વરસાદે નગર ભ્રમણમાં નીકળ્યા
નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા અને ફૂડ પેકેટ વિતરણ કાર્યમાં જોડાયા
જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. આવી પરિસ્થિતિમાં પૂરમાં ઘસાયેલા લોકોની મદદ માટે જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનો પાણીના પ્રવાહની વચ્ચે ઉતર્યા છે.
જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા, નગરના મેયર વિનોદ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ભાજપના દંડક કેતન નાખવા, કોર્પોરેટર ગોપાલ સોરઠીયા, તથા અન્ય આગેવાનો વગેરે સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલરૂમમાં ઉપસ્થિત થયા હતા, અને સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ તેઓ વરસતા વરસાદે નીચાણ વાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા, અને પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. જામનગર મહાનગર પાલિકાના ફાયરના જવાનો તથા એસડીઆરએફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી, અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રયસ્થાનોમાં સુરક્ષિત ખસેડયા પછી તેઓને ફૂડ પેકેટ વગેરે વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી. પાણીથી જલમગ્ન અનેક વિસ્તારોમાં વરસતા વરસાદે તમામ રાજકીય અગ્રણીઓ લોકોને મદદ માટે પહોંચ્યા હતા, અને સહાનુભૂતિ દર્શાવી છે.