For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહારનાઓએ ‘બાર’ની બાજી બગાડી કે ઘરનાઓએ પથારી ફેરવી?

04:45 PM Dec 23, 2023 IST | Bhumika
બહારનાઓએ ‘બાર’ની બાજી બગાડી કે ઘરનાઓએ પથારી ફેરવી

ભાજપના નેતાઓનું આખું દળકટક કામે લાગ્યું છતાં સમરસ પેનલના સુકાની જ હારી ગયા અને ઉપપ્રમુખ પદમાં ફળદુને ‘ફીણ’ આવી ગયા

Advertisement

મિટિંગ-સીટિંગ અને ઈટિંગના મેળાવડાઓમાં ભેગા થયા તેટલા વકીલોએ પણ મત આપ્યા નહીં, સમરસના નામે પાર્ટીએ કરેલો ‘અખતરો’ ઊંધો

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલનો પ્રચાર અને પ્રસાર જે પ્રમાણે થયો હતો તે પ્રમાણે મત નહીં મળતા ખેલ કોણે બગાડ્યો? તેવી ચર્ચા વકીલ આલમમાં થઈ રહી છે.સમરસ પેનલને ભાજપનું ખુલ્લુ સમર્થન હતું અને ભાજપના નેતાઓએ પણ આ પેનલને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પ્રમુખપદના ઉમેદવાર કમલેશ શાહ જ હારી જતાં કોઈ લેવલે મોટી રાજરમત થઈ ગયાની ચર્ચા છે. પ્રમુખ તરીકે 79 મતે જીતેલા બકુલ રાજાણી જુના ખેલાડી છે અને વકીલોમાં 108ની છાપ ધરાવે છે. પરંતુ ભાજપની તાકાત સામે રાજાણી ફાવશે નહીં તેવું અનુમાન લગાવાતું હતું પરંતુ રાજાણી જીતી જતાં રાતોરાત નવા સમિકરણો મંડાવા લાગ્યા છે.

Advertisement

વકિલોમાં તો એવી પણ ચર્ચા છે કે ભાજપના જુથવાદમાં દબાયેલા અને સાઈડમાં ધકેલાઈ ગયેલા જૂથે કંઈ બોલ્યા વગર જ ખેલ પાડી દીધો છે. અને મુંગામોઢે પોતાનો પરચોબતાવી દીધો છે.જ્યારે અમુક વકીલો એવું કહે છે કે, આમ આદમી પાર્ટી જોડાયેલા વકિલોએ ભાજપ સમર્થિત પેનલ વિરુદ્ધ મતદાન કરીને ખેલ બગાડી નાખ્યો છે. રાજકોટમાં આમઆદમીપાર્ટી સાથે 65 જેટલા વકીલો ‘વિચારધારા’થી જોડાયેલા છે અને આ તમામ વકિલોએ ભાજપ સમર્થિત સમરસ પેનલની વિરુદ્ધમાં મતદાન કર્યુ હોવાનું મનાય છે.

જો કે, જે સત્ય હોય તે પણ બાર એસો.ની ચુંટણીમાં ભાજપનો ખેલ ચોક્કસ બગડીયો છે. સાંસદો-ધારાસભ્યો, સંગઠનના હોદેદારો અને છેલ્લે તો પૂર્વ રાજ્યપાલ વજુભાઈને પણ આ પેનલના પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. અને વજુભાઈ વાળાએ તો સ્ટેજ ઉપરથી ગદ્દારોને ઓળખી લેવાની વાત કરી હતી. પરંતુ મતદાનમાં આ કહેવાતા ગદ્દારોએ પથારી ફેરવી કે, ઘરના જ ઘાતકી નિકળ્યા? તે પ્રશ્ર્ન સાંભળીને ભાજપના નેતાઓ પણ માથુ ખંજવાળી રહ્યા છે.

બાસ એસો.ની આ ચુંટણીમાં ધારાસભા જેવો માહોલ જામ્યો હતો. રોજ રાત્રે મીટીંગ-સીટીંગ અને ઈટીંગના કાર્યક્રમો જોરશોરથી થતાં હતા દરેક મીટીંગ-સીટીંગ અને ઈટીંગમાં વકીલોની સંખ્યા પણ આંખો પહોળી થઈ જાય તેવી જોવા મળતી હતી. સંખ્યા જોઈને ભાજપના નેતાઓ તથા આખી સમરસ પેનલ ફૂલફોર્મમાં જોવા મળી હતી.

પરંતુ મીટીંગ-સીટીંગ-ઈટીંગમાં હાજર રહેલા તમામ વકીલોએ સમરસ પેનલને મત આપ્યા નથી તે પરિણામ પરથી સાબિત થઈ ગયું છે. મતના ગણિત માંડનારા ઉંધાપડ્યા કે ગણતરી ઉંધી પડી તે કોઈ સમજી શકતું નથી સમરસ પેનલના વરરાજા ગણાતા પ્રમુખ પદના ઉમેદવાર જ હારી ગયા છે. જ્યારે ઉપપ્રમુખને પણ જીતવામાં ‘ફીણ’ આવી ગયા હોય તેમ માત્ર ત્રણ મતે ચુંટાયા છે. કારોબારીના ત્રણ સભ્યો પણ હારી ગયા છે. આ પરાજયનું પોસ્ટમોટર્મ કેવી રીતે કરવું? તેજ રાજકીય ‘ડોક્ટરો’ને સમજાતું નથી સર્જરી જ નિષ્ફળ જતાં હવે પોસ્ટમોટર્મ કરવાનું જોખમ કોણ લેશે? તે પણ સવાલ છે.

ઉમેદવારોને ‘પાનો’ ચડાવવા ગળુ ફાડી ફાડીને ભાષણો ઝીંકનાર નેતાઓએ ‘આશિર્વાદ’ કોને આપ્યા તે પણ સવાલ છે. સામાન્ય રીતે આવી ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ સીધી રીતે જોડાતી નથી હોતી પરંતુ ભાજપે આ ‘અખતરો’ કર્યો અને અખતરો ભારે પડ્યફો છે. ત્યારે આગામી દિવસોમાં બાર એસોસીએશનમાં પક્ષિય રાજકારણ ઘુસે નહીં અને તમામ વકીલો ‘સમરસ’ થઈને બિનરાજકીય રીતે ચુંટણી લડે તેવો આ પરિણામો ઉપરથી લાગતા વળગતાઓને ‘સંદેશ’ મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement