ગોપાલે ગોટે ચડાવ્યા કે, ગૃહખાતાએ લોચો માર્યો?
રાજય સરકારના ગૃહ વિભાગે 10 વર્ષ પહેલા કોન્સ્ટેબલ પદેથી રાજીનામુ આપી દેનાર આપના નેતા ગોપાલ ઇટાલિયાનું પ્રમોશનની યાદીમાં નામ રજુ કરી દેતા વિવાદ સર્જાયો હતો. જેના પગલે ગૃહ વિભાગ દ્વારા સમગ્ર બાબતને રદીયો આપવામાં આવ્યો છે અને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આમ છતા ગોપાલ ઇટાલિયાએ ટિવટર ઉપર હકિકત મુકી ગોટે ચડાવ્યા કે, ગૃહ વિભાગે ખરેખર લોચો માર્યો છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલનું પ્રમોશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપી હતી.
જેને લઇ ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરી હતી. ત્યાર આ ઘટનાને લઇ અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરતું ટ્વીટ સોશિયલ મીડિયામાં કર્યુ હતું.આ ટ્વીટમાં અમદાવાદ પોલીસે જણાવ્યુ હતુ કે અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્નન ખોટા અને તથ્યહિન છે.
આ સાથે પોલીસે એક પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. જેમાં આ નામોમાં તા.11/01/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે. તેમ જણાવવામાં આવ્યુ હતું.
આ સાથે અમદાવાદ પોલીસ પ્રેસ નોટમાં જણાવામાં આવ્યુ હતુ કે ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.