શહેરમાં ધુળેટી પર્વની જમાવટ, રંગોત્સવની શાનદાર ઉજવણી
- નગરજનોએ મનભરીને પરિવારો-મિત્રો અને પરિચિતો સાથે ધુળેટી પર્વ ઉજવ્યું : ધારાસભ્યએ અનાથ આશ્રમના બાળકો સાથે પર્વની ઉજવણી કરી: પોલીસ હેડકવાર્ટરમાં એસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ રંગે રમ્યા: ડીજેના તાલે સેંકડો શોખીનોએ સમૂહનૃત્યનો આનંદ માણ્યો
શહેર અને જિલ્લામાં કાલે સોમવારે હજારો લોકોએ ઠેરઠેર મનભરીને ધૂળેટીપર્વની શાનદાર અને ઉમંગપૂર્વક ઉજવણીઓ કરી. રાજકીય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ તેમજ આયુર્વેદ યુનિવર્સિટીના કોલેજિયનો સહિતના હજારો લોકોએ આ ઉજવણીઓ અલગઅલગ સ્થળોએ કરી. આ ઉપરાંત શહેરને જોડતાં વિવિધ હાઈવે પર આવેલાં રિસોર્ટ, હોટેલો અને વોટર પાર્ક સહિતના સ્થળોએ સેંકડો લોકોએ આ રંગ અને ઉમંગના પર્વની મજાઓ માણી. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો નગરજનોએ પરિવારો, મિત્રો અને પરિચિતો સાથે હજારો ભૂલકાંઓએ આ આનંદપર્વનો લ્હાવો લીધો. શહેરની મોટાભાગની શેરીગલીઓમાં હજારો પુરૂૂષો, મહિલાઓ અને બાળકો આનંદ ઉલ્લાસથી ધૂળેટી રમ્યા. આ ઉજવણીઓ ઘણી જગ્યાઓ પર તો છેક સાંજ સુધી ચાલી. ઘણી જગ્યાઓ પર સંગીતના સથવારે સૌએ ઉત્સવનો આનંદ માણ્યો.
જામનગરના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના દરેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા હોય છે, જેના ભાગરૂૂપે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થા માં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીને મનાવવામાં આવ્યું હતું અને સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગત વર્ષે ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવ્યું હતું, જે પરંપરા આ વખતે પણ ચાલુ રાખી છે, અને સોમવારે સવારે 10.00 વાગ્યે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધુળેટી મનાવી હતી. આ તકે ધારાસભ્ય સૌ મૂક બધિર બાળકો સાથે રંગે રમ્યા હતાં. બાળકોને મોજ આવી ગઈ હતી.
આ ઉપરાંત શહેરના સરૂૂ સેક્શન રોડ પર આવેલાં પોલીસ હેડ કવાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુએ અન્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે રંગ પર્વનો આનંદ માણ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારો પણ જોડાયા હતાં. આ તકે ડીજે અને ઓરકેસ્ટ્રાના તાલે અને ધૂનો પર સૌ રંગ ઉડાડીને પણ રમ્યા હતાં અને રસિયો રૂૂપાળો સહિતના ગરબાની ધૂન પર પણ રમ્યા હતાં. જેમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પોલીસ ઈન્સ્પેક્ટરો, ફોજદારો અને ઘણાં બધાં પોલીસ કર્મીઓ પણ જોડાયા હતાં.
રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ દર વર્ષની માફક આ વર્ષે પણ એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખાતે સૌ વૃદ્ધોની સાથે ધૂળેટી પર્વની ઉજવણી ઉલ્લાસથી કરી હતી અને તમામ વૃદ્ધોને મિષ્ટાન સહિતનું ભોજન કરાવ્યું હતું. આ તકે તેમના પરિવારજનો, વૃદ્ધાશ્રમના સંચાલકો અને મિત્રો શુભેચ્છકો હાજર રહ્યા હતાં.
બીજી તરફ શહેરને જોડતાં ધોરીમાર્ગો પરની જુદીજુદી હોટેલો, રિસોર્ટ અને વોટર પાર્ક ખાતે ધૂળેટીની ઉજવણીઓ માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા હતાં. લાખાબાવળ નજીકના સેવન સિઝન રિસોર્ટ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને યુવા વર્ગ અને કપલોએ ડીજેના તાલે અને રેન ડાન્સ સાથે ધૂળેટી પર્વની મજાઓ માણી હતી. આ ઉપરાંત ઘણાં પાર્ટી પ્લોટમાં પણ આ પ્રકારના વિશેષ આયોજન ગોઠવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત નર્સિંગ પરિવાર અને જીજી હોસ્પિટલના તબીબો તથા કર્મચારીઓ અને મેડિકલ કોલેજના છાત્રો છાત્રાઓ વગેરે દ્વારા ધૂળેટી પર્વની ઉજવણીઓ કરવામાં આવી હતી. અહીં પણ સૌએ ડીજેના તાલ સાથે પર્વની ઉજવણી કરી. આ ઉપરાંત આયુર્વેદ યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહેતાં વિદેશી વિદ્યાર્થીઓ સૌએ પણ આ પર્વ મનાવ્યું હતું.