હાલાર હનુમાનજીમય, અંજનીપુત્રના જન્મોત્સવની ભક્તિમય ઉજવણી
મંદિરોમાં મહાઆરતી, દીપમાળા, નૂતન ધ્વજારોહણ, બટુક ભોજન, સંતવાણી, શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરોને રોશનીનો શણગાર, ભાવિકોમાં અનેરો ઉત્સાહ
આજે સમગ્ર હાલાર પંથકમાં હનુમાન જયંતિની ભવ્ય અને ભાવપૂર્વક ઉજવણી સંપન્ન થઈ. જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં મારૂૂતિનંદનનો જન્મદિવસ હરખભેર મનાવવામાં આવ્યો. ઘણા વર્ષો બાદ શનિવારના દિવસે હનુમાન જયંતિ હોવાથી હાલારના સુપ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરોમાં મહાઆરતી, દિપમાળા, નૂતન ધ્વજારોહણ, બટુક ભોજન, સંતવાણી અને વિશિષ્ટ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન મંદિરમાં ધ્વજારોહણ અને મહાઆરતી જેવા મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બેટદ્વારકાના દાંડી હનુમાન મંદિર તેમજ જામનગર શહેર અને જિલ્લાના ફુલીયા હનુમાન મંદિર, ખીરી હનુમાન મંદિર, કુન્નડ હનુમાન મંદિર, જામજોધપુરના રોકડીયા હનુમાન મંદિર, જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા મોજીલા હનુમાન મંદિર અને પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા.
ખંભાળીયા નાકા બહાર આવેલા ચૈતન્ય હનુમાન મંદિર, સૂર્યમુખી હનુમાન મંદિર અને બળીયા હનુમાન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ચાંદીબજારમાં સ્થિત પુરાતન હનુમાન મંદિર, ગોરડીયા હનુમાન મંદિર અને હઠીલા હનુમાન મંદિરમાં પણ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા કષ્ટભંજન દેવ મંદિરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં શાસ્ત્રીનગરમાં બળીયા હનુમાન મીત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 11મી એપ્રિલે લોકડાયરો યોજાયો હતો, જ્યારે આજે તારીખ 12મી એપ્રિલે સવારે 6 વાગ્યે આરતી, ત્યારબાદ મહા અન્નકોટ અને સાંજે 5 વાગ્યે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7:30 વાગ્યે મહાઆરતી અને રાત્રે 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રણજીતનગરમાં રોકડીયા હનુમાન મંદિર, લીમડાલાઇનમાં લીંબડીયા હનુમાન મંદિર, બેડીગેઈટ પાસે લીંબડીયા હનુમાન મંદિર, મીલન સોસાયટીમાં રોકડીયા હનુમાન મંદિર, બેડેશ્વરમાં ધીરજધર હનુમાન મંદિર અને ખોજાબેરાજામાં ફુલીયા હનુમાન મંદિર સહિતના વિવિધ હનુમાન મંદિરોમાં પણ દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાલા હનુમાનજી મંદિરે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દાંડીયા હનુમાન મંદિર, ખીરી હનુમાન મંદિર, પંચમુખી હનુમાન મંદિર અને રોકડીયા હનુમાન મંદિર સહિતના મંદિરોમાં વિશિષ્ટ આરતી અને બટુક ભોજન તેમજ ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા હતા. આજે મારૂૂતિ નંદનના જન્મદિવસની ઉજવણી કરવા માટે હનુમાન ભક્તોએ ઉપવાસ પણ રાખ્યા હતા અને અનુષ્ઠાન કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કર્યા હતા. ઠેર-ઠેર સંતવાણી, ધ્વજારોહણ, મહાઆરતી અને દિપમાળા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મારૂૂતિનંદનનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને શહેરમાં બાલા હનુમાન મંદિર તથા દાંડીયા હનુમાન મંદિર સહિતના મંદિરોને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ તમામ મંદિરોમાં ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હનુમાન મંદિરોમાં તેલ, અડદ અને આંકડાની માળા ચડાવવામાં આવી હતી તેમજ કેળા, લાડુ અને પેંડા સહિતનો પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો.આજે બેડેશ્વરમાં તેમજ ફુલીયા હનુમાન મંદિરે જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં બેડેશ્વર ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી આજે ચૈત્ર સુદ-15 તારીખ 12-4 ને શનિવારે યોજાઈ હતી. જેમાં સવારે 11 વાગ્યે ધ્વજારોહણ, સાંજે 6 કલાકે કિર્તન, સાંજે 7 કલાકે મહાઆરતી, સાંજે 7:30 કલાકે બટુક ભોજન અને રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓએ તમામ ભાવિકોને કાર્યક્રમમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.
ખંભાળીયા નાકા બહાર આવેલા ફુલીયા હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિના દિવસે સવારે સાક્ષાત શ્રી હનુમાન મહારાજ દર્શન આપે છે અને સિંધુરનો રસપાન કરે છે. આ વિશેષ અવસરને માણવા માટે શ્રી ફુલીયા હનુમાન ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આવતીકાલે એટલે કે ચૈત્ર સુદ-15 ના રોજ સવારે 4:45 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે, જેમાં પુજારી મુકેશભાઇ દ્વારા સર્વ ભક્તજનોને આવકારવામાં આવ્યા હતા.
આમ, સમગ્ર હાલાર પંથકમાં હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ હતી અને ભક્તોએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
---