દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના સક્રિય પીઢ નેતાઓનો દુકાળ: સ્થાનિક નેતાઓ, કાર્યકરોએ કેસરિયા કરતા ભાજપની સ્થિતિમાં સુધારો
જામનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ મૃતઃપાય પરિસ્થિતિમાં હોય તેવું ચિત્ર જોવા મળતું હતું. આ વચ્ચે તાજેતરમાં અહીંના પીઢ કોંગી આગેવાનો, નેતાઓ તેમજ કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા અહીં કોંગ્રેસની પરિસ્થિતિ વિકટ જોવા મળી રહી છે.જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ સામે ગત લોકસભાની ચૂંટણી લડનારા આહિર અગ્રણી મુળુભાઈ કંડોરીયા કોંગ્રેસ છોડી, ભાજપમાં આવ્યા બાદ તેમના પગલે અહીંના અગાઉના વિધાનસભાના કોંગી ઉમેદવાર એભાભાઈ કરમુર તેમજ ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સદસ્યોએ વિગેરે પણ તાજેતરમાં ભાજપમાં જોડાઈ જતા હવે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં કોંગ્રેસ માટે પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા તેમજ જામ રાવલ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પર પણ ભાજપનો કબજો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના ખૂબ જ પ્રયાસો છતાં પણ ભાજપને 2.36 લાખની લીડ મળી હતી. ત્યારે આ વખતે આ લીડનો આંકડો પાંચ લાખને વટાવી જાય તો નવાઈ નહીં. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને લોકો નામથી પણ ઓળખતા નથી.
વળી, કોંગ્રેસના કાર્યકરો તેમની પાર્ટી છોડી અને ભાજપમાં જતા આગેવાનોનો ધસારો જોતા અહીં કોંગ્રેસ કરતા આદમી પાર્ટીના કાર્યકરો વધુ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આગામી લોકસભાની ચૂંટણી માટે હજુ ઉમેદવારી પત્રો હજુ ભરાવાનું પણ શરૂ થયું નથી, ત્યારે અહીં કોંગ્રેસમાં આગેવાનો-કાર્યકરોનો દુકાળ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમબેન માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રેલ્વે, રોડ, રસ્તા તેમજ કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે પ્રયાસો કરતા હાલ આ ચૂંટણી વન-વે જેવી જોવા મળી રહી છે.