દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ
"વિશ્વ યોગ દિવસ" ની ઉજવણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સુત્રને સાર્થક કરવા સામાન્ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દ્વારકામાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. આ સાથે ખંભાળિયા અને ભાણવડમાં પોતાના પરિવારથી દૂર એકલવાયું જીવન ગુજારતા કુલ 38 સીનીયર સીટીઝનનાં ઘરે-ઘરે જઇ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી અવગત કરવામાં આવ્યા હતા. આજના મોબાઈલ યુગમાં સરકારી એસ.ટી. ડેપોમાં તેમજ એસ.ટી. બસોમાં બસનાં અધિકારી, કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા યાત્રિકો સાથે નવરાશનાં સમયમાં સમયનો સદુપયોગ કરી યોગ-પ્રાણાયામ કરાવી તેનાથી થતા ફાયદા વિશે સમજ કરી જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા બરડા ડુંગરમાં આવેલા આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન "સમિયાણી ટાપુ" પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી, યોગ વિશે એક અનેરો સંદેશ વહેતો કરાયો હતો. બેટ દ્વારકા ટાપુને જમીન સાથે જોડતા એવા "સુદર્શન સેતુ" બ્રીજ ઉપર પણ પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા ખુણે-ખુણે વસતા લોકોને યોગ-પ્રણાયામ થકી “સ્વસ્થ અને સુરક્ષિત” રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો.