ગાંધીનગરમાં ન્યાય માટે લડતા આંદોલનકારીઓની અટકાયત
ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી માટે ગાંધીનગરના સેક્ટર 11ના રામ કથા ગ્રાઉન્ડમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા 100 જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા છે. સોમવારે રામ કથા ગ્રાઉન્ડમાં એકઠા થઈ સરકાર સામે મોરચો ખોલીને બેઠેલા ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલાં શરૂૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગમાં બીટ ગાર્ડની 823 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સીબીઆરટી પરીક્ષા પદ્ધતિને કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની વાત બહાર આવી હતી. જેના કારણે ઉમેદવારોએ સરકાર સામે રાજ્યભરમાં મોરચો માંડ્યો હતો અને આવેદનપત્રો અને રજૂઆતોની શરૂૂઆત કરી દીધી હતી જેમાં ઉમેદવારો સોમવારે ગાંધીનગર સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા.
રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ મેદાન પર ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામ કથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસ કાર્યવાહી કરી ન હતી.
ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્ય ભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. રાત્રિભર ઉમેદવારો ખુલ્લા મેદાનમાં વરસાદી માહોલમાં સૂઈ રહ્યા હતા. પરંતુ સવારે પોલીસનો કાફલો મેદાન ઉપર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા અને પોલીસના વાહનોમાં મગોડી ખાતે આવેલા રાજ્ય અનામત પોલીસ દળ - જછઙઋ ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા.