ઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં રામનાથપરામાં મહાદેવના દર્શને ગયેલા પ્રૌઢ, કારખાનામાં કોલેટી કંટ્રોલ મેનેજર અને પ્રોઢા સહિત ચારને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજમોતી મીલ પાછળ રહેતા વલ્લભભાઈ હરજીભાઈ રંગપરા નામના 45 વર્ષના પ્રૌઢ સવારના આઠેક વાગ્યાના અરસામાં રામનાથપરા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે ત્યાં તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મવડીમાં આવેલ બાપા સીતારામ ચોક પાસે રહેતા હરજીભાઈ ભનુભાઇ સાકરીયા નામના 62 વર્ષના વૃદ્ધ આજી જીઆઇડીસીમાં આવેલ ગુજરાત ફોજીગમાં કોલેટી કંટ્રોલ મેનેજર તરીકે નોકરી ઉપર હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
ત્રીજા બનાવમાં પોપટપરામાં આવેલા મિયાણા વાસમાં રહેતા પ્રદીપભાઈ કનૈયાલાલ લાખાણી નામના 50 વર્ષના આધેડ સવારના સમયે પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગમાં હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રદીપભાઈ લાખાણી ચાર ભાઈ બે બહેનમાં મોટા અને અપરિણીત હતા. અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં ગાંધીગ્રામમાં રહેતા લેખારાનીબેન અરતનભાઈ માજી નામના 55 વર્ષના પ્રોઢા સવારના પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.