સા.કુંડલામાં મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ, સર્જાય છે ટ્રાફિકજામ
શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામને કારણે મોટા વાહનો જેવા કે ટ્રકો અને હેવી વ્હીકલ્સ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, આ વાહનો નાળા નીચેથી પસાર થઈને શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. બાયપાસની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં આવી બેદરકારીને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ તીવ્ર બની છે, જેના કારણે સામાન્ય નાગરિકો કલાકો સુધી અટવાઈને પરેશાન થઈ રહ્યા છે. જાહેરનામા અને નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે, પરંતુ વાસ્તવિક અમલીકરણનો અભાવ જોવા મળી રહ્યો છે.
શહેરના મુખ્ય માર્ગો પર દરરોજ સવાર અને સાંજના સમયે ટ્રાફિકની ભારે અવરજવર જોવા મળે છે. ઓવરબ્રિજનું કામ શરૂૂ થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા વધુ વિકટ બની છે. એક તરફ બાંધકામની પ્રવૃત્તિઓ ચાલુ છે, તો બીજી તરફ મોટા વાહનોના અનધિકૃત પ્રવેશને કારણે વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આવી પરિસ્થિતિમાં સ્કૂલ જતા બાળકો, ઓફિસ જતા કર્મચારીઓ અને વ્યવસાયિકોને મોટી તકલીફ પડી રહી છે. નસ્ત્રઅમે કલાકો સુધી અટવાઈને કંટાળી ગયા છીએ, પરંતુ તંત્ર ક્યારે જાગશે? એવા પ્રશ્નો સ્થાનિક નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને વેપારી મંડળો તંત્રને અપીલ કરે છે કે, ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા મજબૂત કરવામાં આવે, પ્રતિબંધનું કડક અમલીકરણ કરવામાં આવે અને બાયપાસનો ફરજિયાત ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવે. તંત્રની બેદરકારીને કારણે નાગરિકોની પરેશાની વધી રહી છે, જેને તાત્કાલિક ધ્યાન આપવું જરૂૂરી છે.