વસંતઋતુના આગમન છતાંય આંબા પર મોર ન આવતા ખેડૂતો ચિંતિત
શિયાળાના દિવસો ગયા છે અને વસંત ઋતુ પણ આવી પહોંચી છે. પરંતુ આ વર્ષે હજુ સુધી ગીર પંથકમાં અનેક આંબાઓમાં મોર પણ આવ્યા ન હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા બેઠી છે. અંદાજે 60 ટકા જેટલા આંબા પર મોર ન બેસતાં ખેડૂતો થોડા ચિંતિત બન્યા છે. આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને જવાબદાર ગણાવી રહ્યા છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં જ જૂનાગઢ, તાલાલા, આંકોલવાડી સહિતના વિસ્તારમાં આવેલા આંબાના બગીચાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટા ભાગના બગીચાઓમાં 30થી 40 ટકા 1 જેટલું જ ફ્લાવરિંગ થયું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે આંબા પર મોર જ નથી આવ્યા હતા. ગીર વિસ્તારમાં ઘણી જગ્યાએ સુધી મોર આવ્યા નથી. સામાન્ય રીતે અત્યારે તો ખાખડી કેરી આવી જતી હોય છે, પરંતુ પરંતુ આ વર્ષે વાતાવરણના કારણે હજી મોર પણ નથી દેખાતા. મોટા ભાગના બગીચાઓમાં નવેમ્બર મહિનામાં જ આંબા પર ફ્લાવરિંગ આવવાની શરૂૂઆત થઈ જતી હોય છે.
ફેબ્રુઆરીમાં તો ફ્લાવરિંગ પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજ સુધી પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા ભયંકર ફેરફારના કારણે કેરીના પાકને માઠી અસર પડી રહી છે. આ વર્ષે લોકોએ શિયાળાનો અનુભવ પણ કર્યો નથી. નવેમ્બર મહિનામાં તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું અને નીચા તાપમાનનો આ વર્ષે અનુભવ જ થયો નથી, જેને વાતાવરણની ભાષામાં ડાયનોલ વેરિએશન કહેવામાં આવે છે. વાતાવરણમાં આ વેરિએશનના કારણે આંબાના પાકોમાં પણ ફેરફાર જોવા મળે છે અને જે ફ્લાવરિંગ આંબામાં આવવું જોઈએ એ આવી શકતું નથી. આંબાના પાકને હાલના સમયે દિવસે 25 ડિગ્રી તાપમાન અને રાત્રે 12થી 15 ડિગ્રી તાપમાન મળવું જોઈએ, જે મળી નથી રહ્યું, જેના કારણે આંબા પર સમયસર મોર બેસી શક્યા નથી.