200 જાનૈયાને સોનાની ચેન, 21 હજારના કવર આપ્યા છતાં પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
- મુંબઇના દહેજ ભૂખ્યા સાસરીયા સામે ધારાસભ્યની ભત્રીજીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદના એક ધારાસભ્યની ભત્રીજીના લગ્નમાં અઢળક દહેજ આપ્યા બાદ પણ વધુ દહેજની માંગણી કરી સાસરીયાને કાઢી મૂકયાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ દફતરે પહોંચ્યો છે.
અમદાવાદની પરિણીતાને લગ્નના બીજા જ દિવસે દહેજના નામે હેરાન કરવામાં આવી હતી. તેના પિતાએ કરિયાવરમાં લાખો રૂૂપિયાની વસ્તુઓ આપી હતી. તે ઉપરાંત જાનમાં આવેલા 200 લોકોને સોનાની ચેન અને 21 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. આમ છતાં પરિણીતાને હેરાન કરીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી અમદાવાદમાં પિયરમાં આવેલી મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી તેના માતાપિતા સાથે રહે છે. 2014માં તેના લગ્ન સોહન સાથે થયા હતાં. લગ્નજીવનમાં તેમને એક દીકરો છે. લગ્નના ફેરા પુરા થતાં જ તેના સસરાએ તેના પિતાને કહ્યું હતું કે, જે લોકો જાનમાં આવ્યાં છે, તેમને 21 હજાર અને એક સોનાની ચેન આપવી પડશે. ત્યારબાદ ફરિયાદી મહિલાના પિતાએ જાનમાં આવેલા 200 લોકોને એક ચેન અને 21 હજાર રોકડા આપ્યા હતાં.
લગ્ન બાદ મહિલા તેની સાસરીમાં મુંબઈ ખાતે રહેવા ગઈ હતી અને બીજા જ દિવસે તેના પતિએ તેની સાથે મારઝૂડ ચાલુ કરી દીધી હતી. ફરિયાદી મહિલાના પિતાએ આટલું આપ્યું હોવા છતાં સાસુ અને નણંદ એવું કહેવા લાગ્યા હતાં કે, તું તારા કરિયાવરમાં કશું જ લાવી નથી. અમારે સમાજમાં શું મોઢું બતાવવું તેમ કહીને હેરાન કરવા માંડ્યા હતાં. પતિ પણ નાની નાની વાતે મહિલાને માર મારતો હતો. પરંતુ દીકરો નાનો હોવાથી સંસાર તૂટે નહીં માટે તેણે બધું મૂંગા મોઢે સહન કર્યું હતું. લગ્નના એક વર્ષ બાદ મહિલાના ભાઈ અને ભાભી તેને મળવા માટે આવ્યા હતાં. ત્યારે તેના પતિએ કહ્યું હતું કે, કેમ મને પુછ્યા વિના ગઈ હતી. તેમ કહીને મારઝૂડ કરી હતી. ત્યારે સાસુ પણ કહેતા હતાં કે તે બહુ છૂટ આપી છે, એટલે બહુ સામે બોલતી થઈ ગઈ છે. સાસુના કહેવાથી પતિએ મહિલાને ઘરની બહાર કાઢી મુકી હતી. જેથી મહિલા તેના પુત્રને લઈને પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. તેનો પતિ બે મહિના પહેલા મળવા આવ્યો હતો, ત્યારે તેના પિતાને જણાવેલું હતું કે, મારે ઇશા સાથે છૂટાછેડા લેવા છે, તેને કહેજો સહી કરી આપે નહીંતર સારૂ નહીં રહે તેવી ધમકીઓ આપી હતી. જેથી મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.