સલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના નવા રેવન્યુ સર્વે નંબર 148 ની હે. 3-15-25 આરે વાળી ખેતીની જમીનના મૂળ માલિક ગુજરનાર હાજી ઉમરના વારસો હતા અને તેની નોંધ સંદર્ભે સામેવાળાએ ખોટી અપીલ અરજી કરતાં પ્રાંત અધિકારીએ તેમના વિરુદ્ધ હુકમ કર્યો હતો. જે જામનગર જિલ્લા કલેકટરએ પ્રાંતનો હુકમ રદ કર્યો હતો. ત્યાર બાદ મહેસુલ સચિવ (વિવાદ) દ્વારા 1999 ની સાલમાં ફરી ગુજરનાર હાજી ઉમરના વારસોની તરફેણમાં હુકમ કર્યો હતો. જે આજદિન સુધી ગુજરાત હાઇકોર્ટમાં કે અન્ય કોઈ જગ્યાએ ચેલેન્જ થયેલ નથી. તેમ છતાં પણ રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીને કારણે તેમજ જે-તે વખતના તલાટી મંત્રી સાથેના કહેવાતા મિલાપીપણાથી રેવન્યુ દફતરે એક નોંધ તાલમેલ વગરની પાડવામાં આવી હતી.
જે બાબતે વાસ્તવિક માલિકને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને બોગસ નોંધના આધારે સ્યોમોટો રિવિઝનમાં લેવાને બદલે રેવન્યુ ઓથોરિટીએ નોંધ રેગ્યુલર કર્યાનું કહેવાય છે. તેને તદ્દન કાયદા વિરુદ્ધ ગણાવવામાં આવી છે.
કાયદા મુજબ બોગસ નોંધ રેગ્યુલર થઈ શકે નહીં. રદ કરવાની જવાબદારી રેવન્યુ ઓથોરિટીની છે. પરંતુ જવાબદાર અધિકારીએ કથિત રીતે આંખ આડા કાન કરતા વાસ્તવિક માલિક તેમના મિલકતના હકથી વંચિત થયા હતા.
બંને પક્ષકારો વચ્ચે 25 વર્ષથી લીટીગેશન ચાલુ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સિવિલ કોર્ટે આજ દિન સુધી કોઈ પક્ષકાર તરફે ફાઇનલ હુકમ આપ્યો નથી. છતાં પણ જવાબદાર અધિકારીએ જેની નોંધ ગેરકાયદેસર પ્રમાણે કરેલ છે, તેમાં ગેરકાયદે શબ્દની રમતના આધારે માલિકને તેમની મિલકતના હક્કથી વંચિત કરવામાં આવ્યું હોવાનું સંબંધિત વકીલે જણાવ્યું હતું.
ઘણી વખત કારણ વગર દાવો દાખલ કરવાથી પણ નુકસાન પહોંચે છે. આ કેસમાં માલિકે ખરેખર દાવો કોર્ટમાં ન કરેલ હોય તો કોઈ પ્રશ્ન જ રહેત નહીં. કેમ કે છેલ્લા મહેસુલ સચિવે આપેલ ઠરાવ મુજબ માલિક જ ન હતા કેમકે આજ દિવસ સુધી તે હુકમ ચેલેન્જ થયો નથી. તો માલિક કોણ ગણાય? એવો પ્રશ્ન પૂછાયો છે.
