બાપા સીતારામ અને મોકાજી સર્કલના બે ધર્મસ્થળોનું અંધારામાં ડિમોલિશન
અકસ્માતો વધતા અને લોકોની ફરિયાદ તેમજ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી, ભારે વિરોધ
રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી વધતા રોડ-રસ્તા ટુકા પડી રહ્યા છે. જેના લીધે હવે એલોપી હેઠળ મુખ્યમાર્ગો પહોળા કરવાની સુચના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. અને સાથો સાથ રોડ ઉપર નડતરરૂપ તમામ પ્રકારના બાંધકામો તોડી પાડવાનો આદેશ કર્યો છે. ત્યારે રાજકોટ શહેરના અનેક મુખ્યમાર્ગો પહોળા કરવા મહાનગરપાલિકાએ ડિમોલેશનનું લીસ્ટ તૈયાર કર્યુ છે. પરંતુ વર્ષો જૂના અમુક ધાર્મિક સ્થળોના ડિમોલેશન વખતે વિરોધનો વંટોળ ન ઉઠે તે માટે રાત્રીના સમયે ડિમોલેશનની કામગીરી શરૂ કરી ગઈકાલે રાત્રે મવડી મેઈન રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં આવેલ બાપાસીતારામની મઢુલી અને મોકાજી સર્કલ ખાતે આવેલ વર્ષો જૂના મંદિર સહિત બે ધાર્મિક સ્થળોના રાતોરાત ડિમોલીશન કરી નાખતા લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અને અવાર નવાર અકસ્માતોના બનાવો બનતા હોય તેવા સર્કલ ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ તેમજ ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત ગઈકાલે રાત્રે ટાઉન પ્લાનીંગ વિભાગનો સ્ટાફ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મવડી મેઈન રોડ ઉપર બાપાસીતારામ સર્કલમાં વચ્ચોવચ બનાવવામાં આવેલ વર્ષો જૂનું બાપાસીતારામની મઢુલીનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ સ્થળ ઉપર વર્ષો પહેલા આ મઢુલી બનાવવામાં આવેલ અને આ સ્થળનું ભક્તોમાં પણ અતિ મહત્વ હોય સંવેદનસીલ ધાર્મિક સ્થળનું ડિમોલીશન કરતી વખતે તંત્રએ પણ ભારે સાવચેતી રાખી હતી. અને રોડ ઉપર વાહનોની અવર જવર તેમજ દુકાનો બંધ થઈ ગયા બાદ ફ્લડ લાઈટ સાથે મઢુલીનું ડિમોલેશન કરી રાતોરાત સ્થળ ઉપરથી મલવો હટાવી રોડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી.
મનપાએ ગઈકાલે મવડીમાં એક ધાર્મિખ સ્થળનું ડિમોલીશન કર્યા બાદ નાનામૌવા મેઈન રોડ ઉપર ભીમનગર પાસે મોકાજી સર્કલ ખાતે વર્ષોથી બનાવવામાં આવેલ એક ધાર્મિક સ્થળને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરી હતી. આ ધર્મિક સ્થળ પણ વર્ષો જુનું હોય વિરોધની શક્યતાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતૂુ મોડી રાત્રે કાર્યવાહી કરતા ડિમોલેશનની કામગીરી વિના વિઘ્ને પુર્ણ કરવામાં આવી હતી. બન્ને ધાર્મિખ સ્થળોના ડિમોલીશનના કાર્યવાહી બાદ આજે સવારે આજુબાજુમાં વસવાટ કરતા લોકોને જાણ થતાં આ ધાર્મિક સ્થળોમાં નિયમીત આવતા ભક્તજનોમાં રોષ જોવા મળ્યો હતો અને મોકાજી સર્કલ ખાતે આજે લોકોનું ટોળુ પણ એકઠુ થયાનું જાણવા મળેલ છે.
હજુ પણ 16 ધાર્મિક સ્થળોના ડિમોલિશનની તૈયારી કરતું તંત્ર
શહેરના મુખ્ય માર્ગો ઉપર તેમજ સર્કલોઉપર અકસ્માતોનું પ્રમાણ વધતા સર્કલો નાના કરવાની તેમજ સર્કલો ઉપર થયેલા ધાર્મિક સહિતના દબાણો દૂર કરવાની સુચના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જેના લીધે રાજકોટ મહાનગરપાલિકાએ પણ છેલ્લા છ માસથી મુખ્ય સર્કલ ઉપર આવતા તેમજ મુખ્ય માર્ગો ઉપર આવતા નડતરરૂપ ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરી છે અને ગઈકાલે બે ધાર્મિક સ્થળોના ડિમોલીશન કર્યા બાદ આગામી દિવસોમાં વધુ 16 ધાર્મિક સ્થળોનું ડિમોલીશન કરવાની તૈયારીઓ પીટી વિભાગે કરી હોવાનું જાણવા મળેલ છે.