283 મોતના માચડાંનું ડિમોલિશન આજે પણ બાકી
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ જંગે ચડેલું તંત્ર ઢીલું ઢફ: ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા સતત 6 માસ ચેકિંગ હાથ ધરી બીયુ સર્ટિ. અંગે નોટિસ આપી ડિમોલિશનની તૈયારીઓ કરી હતી પરંતુ આજ સુધી કાર્યવાહી ન થઈ
સીલ થયેલ મિલ્કતો ઈમ્પેક્ટ ફી હેઠળ લેવાશે તેવું આસામીઓના જવાબના આધારે આજ સુધી તંત્ર બેસી રહ્યું : દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેમઝોન ટ્રસ્ક્ચર ગેરકાયદેસર હોવાનું બહાર આવતા અનેક અધિકારીઓ જેલ ભેગા થયા છે. ત્યાર બાદ મનપા દ્વારા શહેરના તમામ કોમર્શીયલ એકમોમાં બીયુ સર્ટી અને ફાયર સેફ્ટી અંગે ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સતત છ માસ સુધી ચેકીંગ હાથ ધરી બીયુ અંતર્ગત તેમજ ફાયર એનઓસી અંગે 283 એકમોને 260/2 અંતર્ગત નોટીસ આપી ઈમ્પેક્ટ ફી હેઠળ કાયદેસર બાંધકામ કરાવવાની સુચના આપેલ પરંતુ નિયમ મુજબ ઈમ્પેક્ટ ફી હેઠળ આ બાંધકામો ગેરકાયદેસર થઈ શકે તેમ ન હોય તમામ એકમોનું ડિમોલેશન કરવાની તૈયારીઓ શરૂ કરેલ પરંતુ આજ સુધી એક પણ એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના લીધે અલગ અલગ પ્રકારના 283 મોતના માચડાઓ આજે પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. અને તાજેતરમાં સર્જાયેલ એટ્લાન્ટિસ જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તે અંગે કોંગ્રેસ દ્વારા પુછેલા પ્રશ્ર્નોમાં જવાબ માંગવામાં આવ્યો છે.
શહેરના ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી કાયદાની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યાર બાદ આગળની કોઈ કાર્યવાહી થઈ ન હતું અને હવે તાજેતરમાં એટલાન્ટિસ દુર્ઘટના સર્જાયા બાદ તંત્રના હવાતિયા ફરી શરૂ થઈ ગયા છે. શહેરની તમામ કોમર્શીયલની સાથો સાથ રહેણાકની બિલ્ડીંગોમાં પણ બીયુ અને ફાયર એનઓસી અંગે ચેકીંગ કરવાના આદેશ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ અગાઉ ચેકીંગમાં નોટીસ અપાયેલ અને ડીમોલેશન ફરજિયાત કરવું પડે તેવી કોમર્શીયલની ઈમારતો તેમજ હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, સહિતના એકમો નોટીસ આપ્યા બાદ ભુલી જવાયા છે.
છ માસ દરમિયાન ત્રણેય ઝોનમાં 1221 નોટીસો આપવામાં આવેલ જે પૈકી અનેક ઈમારતોમાં ઈમ્પેક્ટ ફીનો નિયમ લાગુ પડતો હોય અનેક આસામીઓએ પોતાના બાંધકામો રેગ્યુલરાઈઝ કરાવી લીધા હતાં પરંતુ બાકી રહી ગયેલા અને 260/2ની નોટીસ અપાઈ હોય તેમજ ડીમોલેશન ફરજિયાત કરવું પડે તેવા એકમોનું લીસ્ટ તૈયાર કરી ટાઉન પ્લાનીંગ વિભાગ પાણીમાં બેસી ગયું હોય તેમ આજ સુધી 283 મોતના માચડાનું ડિમોલેશન આજે પણ બાકી રહી ગયું છે. જેની કબુલાત વિરોધપક્ષ દ્વારા બોડમાં પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં ટીપી વિભાગ દ્વારા ટીપી વિભાગ દ્વારા આપવામાં આવી છે.
લોકોએ કરેલ ફરિયાદો પણ ઘોળીને પી જવાઈ..
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને શહેરીજનોને પણ તેમના વિસ્તારમાં થતાં ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો તેમના કોર્પોરેટરો અને કોર્પોરેશનને આપવા માટેની સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત ગેરકાયદેસર બાધકામની ત્રણેય ઝોનમાંથી 32 ફરિયાદો આવેલ જે પૈકી 8 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરીજનોની ફરિયાદમાં સેન્ટ્રલઝોનમાં પાંચ ગેરકાયદેસર બાંધકામ તથા વેસ્ટઝોનમાં 9 ગેરકાયદેસર બાંધકામ અને ઈસ્ટઝોનમાં સૌથી વધુ 18 બાંધકામો ગેરકાયદેસર હોવાનું જણાવવામાં આવેલ છતાં લોકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આઠ ફરિયાદનો નિકાલ કરેલ હોય બાકીની 24 ફરિયાદોના ગેરકાયદેસર બાંધકામો આજે પણ અકબંધ રહી ગયાનું સાબિત થાય છે.