રૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સુચના બાદ અલગ અલગ હેતુ માટે ટીપી સ્કીમ માંથી પ્રાપ્ત થયેલા દબાણ યુક્ત પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં બે દિવસ પહેલા જામનગર રોડ ઉપર એક સાથે 50 ગેરકાયદેસર મકાનો ઉપર બુલ્ડોઝર ફેરવી દીધા બાદ આજે રૈયા અને વાવડી વિસ્તારમાં ટીપીના રોડ ઉપર થયેલા તેમજ આવાસ યોજનાના પ્લોટ ઉપર ખડકાયેલા 11 મકાનો અને મંદિર સહિતના બાંધકામોનું ડિમોલેશન કરી રૂા. 13.28 કરોડની 1563 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી ટીપી સ્કીમ નં.-4 રૈયા એફપી નં. 450, નટરાજ નગર પીપીપી આવાસ યોજના 19, સાધુવાસવાણી રોડ રૈયામાં પ્લોટ ઉપર ખડકાયેલા મોટા 6 મકાનો તોડી પાડી રૂા. 13.28 કરોડની 1563 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી. તેવી જ રીતે ટીપી સ્કીમ નં. 14 વાવડી મુસદારૂપ 15 મીટર તથા 24 મીટરના ટી.પી. રોડ ઉપર ખડકાયેલા પાંચ મકાન અને એક મંદિરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ડીમોલેશન અગાઉ નોટીસ અપાયેલ હોવા છતાં મંદિરના બાંધકામના ડિમોલેશન સમયે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવેલ પરંતુ વીજીલન્સના સ્ટાફને સમજાવટના અંતે કામગીરી શાંતિ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
નાયબ કમિશનર ચેતન નંદાણીના આદેશાનુસાર તથા સીટી એન્જીનીયર(સ્પે.) વેસ્ટ ઝોન-કુંતેશ કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ તા.21/02/ર0ર5 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 1563.00 ચો.મી.ની અંદાજીત 13.28 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનનાં બંને આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, આવાસ યોજના શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા ઙ.ૠ.ટ.ઈ.ક. અને ગુજરાતગેસ કંપની લી. તેમજ સ્થળ પર હાજર રહેલ.
સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં થશે મેગા ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તે સાથે જ રાજ્ય સરકારની સૂચના હોવાથી મહાનગરપાલિકાની માલીકીના દબાણ યુક્ત પ્લોટ ખાલી કરાવવા માટે ત્રણેય ઝોનમાં સર્વે કરવામાં આવેલ જેમાં ઈસ્ટઝોનમાં અનેક ડિમોલેશનો કરવામાં આવ્યા અને હવે આગામી દિવસોમાં સેન્ટ્રલ અને વેસ્ટઝોન વિસ્તારમાં અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ પરના સેંકડો દબાણો દૂર કરવા માટે મેગા ડીમોલેશનની કામગીરી હાથ ધરાશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.