હરસિધ્ધિ મંદિરની જમીન પર કોંગ્રેસ સરકારમાં થયેલા દબાણો હટાવવા માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરની જમીન પર થયેલ કથિત ગેરકાયદેસર કબજા અને તેને લગતા વિવાદે ફરી એકવાર રાજકીય ગરમાવો વધાર્યો છે.
મળતી માહિતી મુજબ, મંદિરની જગ્યામાં વાતાવરણ બગાડતી દુકાનો ગેરકાયદેસર રીતે કોઇ હક્ક-હિસ્સા વગર વસેલી હતી. મંદિરની સંચાલક સંસ્થાના અનન્ય મૂળ અધિકારી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ આ દુકાનો હટાવવાની કાર્યવાહી કરી હતી. પરંતુ, તત્કાલીન કોંગ્રેસ સરકારના આદેશથી પોલીસે દુકાનદારોને ફરીથી તે જગ્યાએ વસાવી દીધા હતા. આ પછી, રાજ્ય સરકારનાં કહેવાથી લગતાવડગતા મહેસૂલનાં અધિકારીઓ દ્વારા દુકાનોની પાછળના દરિયાની ખાડીને કાંઠેથી આશરે દશેક મીટર સુધી બૂરીને ત્યાં એક સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર બતાવી દીધો હતો, જે હકીકતમાં ત્યાંથી અમુક કિલોમીટર દૂરનો હતો.
બાદમાં, આ દુકાનમાલિકોને કાયદાના નિયમોની બિલ્કુલ વિરુદ્ધ રીતે અડધું બૂરેલા દરિયા ઉપર અને અડધું મંદિરની મૂળ સનદની જગ્યા ઉપર બિલ્કુલ નાના-નાના પ્લોટો બનાવી તેને ત્યાંથી દૂરના રેવન્યુ સર્વે નંબર આપી ફાળવી દીધા હતા. હવે, હાલની ભાજપાની રાજ્ય સરકાર આ ગેરકાયદેસર કૃત્યને સુધારશે કે સ્વીકારશે તે જોવાનું રહે છે. આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.