ખેડૂતોની જેમ માછીમાર સમુદાયને પણ આર્થિક સહાય પૂરી પાડવા માગણી
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી માછીમારોને મોટું નુકસાન ખરાબ હવામાનથી ફિશિંગ સીઝન પર અસર થતા બોટો બંદરે પરત આવી
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ અને અરબી સમુદ્રમાં પ્રતિકૂળ હવામાનને કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. આનાથી તેમ ની ફિશિંગ સીઝન પર ગંભીર અસર પડી છે.
આ અંગે ભીડીયા ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ રમેશભાઇ ડાલકી સહીતનાએ વિગતો આપતાં જણાવેલ કે, વર્તમાન સિઝનમાં આ પાંચમી વખત છે જ્યારે ફિશિંગ બોટો ને દરિયામાંથી પરત બોલાવી પડી છે. એક ફિશિંગ ટ્રીપ માટે અંદાજે રૂૂા.4 થી 5 લાખ નો ખર્ચ થાય છે. વારંવાર અધૂરી રહેતી માછીમારીને કારણે માછીમારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
હાલમાં વેરાવળ બંદર પર મોટી સંખ્યામાં ફિશિંગ બોટો પાર્ક થયેલી જોવા મળે છે. સામાન્ય રીતે દિવાળી પછી બંદર ખાલી રહે છે કારણ કે મોટાભાગની બોટો માછીમારી માટે દરિયામાં હોય છે. જોકે, આ વર્ષે અરબી સમુદ્રમાં વારંવાર સર્જાતા તોફાની વાતાવરણને કારણે બોટોને બંદર પર પાછા ફરવું પડ્યું છે. માછીમાર આગેવાનોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે, ખેડૂતોની જેમ માછીમાર સમુદાયને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, જેથી તેઓ આ અણધાર્યા સંકટમાંથી બહાર આવી શકે તેમ જણાવેલ હતું.