જમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણી
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર સામે આવતા ભક્તોની લાગણી દુભાઈ. જેને લઈને સામાજીક કાર્યકર્તા દ્વારા જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરવામાં આવી છે. વિવાદમાં સપડાતા જગન્નાથ મંદિરનો કાર્યભાર ટ્રસ્ટના બદલે સરકારને સોંપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા લાગી છે.
વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી જગન્નાથ મંદિર ગૌચર જમીનને લઈને વિવાદમાં સપડાયું છે. મંદિરની ગૌચર જમીનને કરોડોની કિમંતમાં વેચાણ કરી દેવામાં આવ્યું હતું. જો કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિરની જમીનને ટ્રસ્ટને પાછી સોંપવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ટઇંઙએ આક્ષેપ કર્યો હતો કે કૌભાંડીઓએ કરોડોની કમાણી કરવા જમીનના દસ્તાવેજો સાથે છેડછાડ કરી બારોબાર કરોડોના ભાવે મંદિરની જમીન વેચી દીધી.આ મામલો કોર્ટમાં છે. જગન્નાથ મંદિર જમીન મામલે લાંબા સમય સુધી વિવાદમાં છે. આથી જ આ વિવાદને પગલે હવે સામાજીક કાર્યકર્તા આગળ આવ્યા છે. મંદિર સાથે લાખો આસ્થાળુઓની લાગણી સંકળાયેલી હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી કે મંદિરનો કાર્યભાર સરકારને સોંપવામાં આવે.
શહેરનું જગન્નાથ મંદિર ભારત ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરમાં અષાઢી બીજના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે. તેના બાદ અમદાવાદનું જગન્નાથ મંદિર ત્રીજું મોટું મંદિર છે જ્યાં વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે.