સાતમ-આઠમના લોકમેળામાં કોંગ્રેસને સ્ટોલ ફાળવવા માંગ
શહેરમાં સાતમ-આઠમનાં યોજાનાર લોકમેળામાં કોંગ્રેસને પણ સ્ટોર ફાળવવાની માંગ સાથે આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું હતું.રજુઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, વશરામ સાગઠીયા, સંજય લાખાણી, કૃષ્ણદત રાવલ, ધરમ કાંબલીયા વિગેરેએ જણાવ્યું છે કે, રાજકોટમાં આવનારા સાતમ આઠમના તહેવારોમાં લોકસાહિત્ય મેળામાં આપના તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સરકારી તંત્ર દ્વારા સરકારી યોજના ની વિગતો દર્શાવતા સ્ટોલ ઊભા કરવામાં આવે છે. જેમાં સરકારની યોજનાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે જેમાં સરકારના કામોના પ્રચાર કરવા માટે સ્ટોલ માહિતી નિયામક તથા સરકારના અન્ય વિભાગના સ્ટોલો રાખવામા આવે છે.
તેવા સ્ટોલમાં સરકારની સફળતા બતાવવા માટેનું આયોજન થાય છે સામે પક્ષે વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પણ આ વખતે રાજકોટના ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડની દુર્ઘટના તથા આની મુશ્કેલીઓને ઉજાગર કરવા માટે તથા પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા તથા રાજકોટની જનતાનો અવાજ બનીને સરકારને સાચી સ્થાનિક પરિસ્થિતીને ઉજાગર કરવા વિરોધપક્ષ તરીકે હક્ક અને સવિધાનિક અધિકારોને લોકશાહીમાં સહી સલામત છે તેવું સાબિત કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષને આવનારા દિવસોમાં રાજકોટના લોકસાહિત્ય મેળામાં સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે તેવી જગ્યાને મેળવવા માટે સરકારી તંત્ર જે સરકારી યોજનાને પ્રદશિત કરવા માટે જે ભાવે સ્ટોલ આપવામાં આવે છે તેવા નિયત ભાવોથી સ્ટોલની જગ્યા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જનતાનો આવાજ તથા તેમના વિચારોને ગુજરાતની જનતાની વેદના અને મુશ્કેલીઓને વાચા આપવા કોંગ્રેસ પક્ષ મક્કમતાથી અવાજ બનીને સરકારને સાચી સ્થિતિનો ચિતાર બતાવવા માટે લોકસાહિત્ય મેળામાં સ્ટોલમાં વિગતો પ્રદશિત કરવા માટે અમોને પ્રજાના હિતમાં સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.
સરકારી વિભાગોને જે નિયત ભાવે સ્ટોલ આપવામાં આવે છે તેવા ભાવે અમોને આ વખતના મેળામાં જગ્યા ફાળવવામાં આવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષની લેખિત માંગણી કરાઇ છે.